Mon. Dec 23rd, 2024

જૂનાગઢના વિસાવદરમાં AAPના આગેવાન ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, કેજરીવાલે કહ્યું ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી

જૂનાગઢ: વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.

અજાણ્યા શખ્સો દ્વારા કાળા વાવટા ફરકાવી હુમલો કરાયો
અજાણ્યા શખ્સો દ્વારા કાળા વાવટા ફરકાવી હુમલો કરાયો
આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સહસંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું કે ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. સાથે જ તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ હિંસા તમારો ગભરાટ છે, તમારી હાર છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર મેસેજ કરતા લખ્યું કે લોકોને સારી સગવડ દઈને તેનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી.

​​​​​​​વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

 

હુમલામાં માંડ માંડ બચેલા આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, મારી ગાડીમાં હું, પ્રવીણ રામ અને મહેશ સવાણી હતા. ત્યારે પાછળથી ગાડી પર હુમલો કરાયો, અમે સીટ નીચે છુપાઈ જતા બચી ગયા છીએ. એક વાત ચોક્કસ છે કે, ગુજરાત બીજું બિહાર બની ગયું છે. ગુજરાતની સ્થિતિ બહુ કથળી ગઈ છે. ભાજપપ્રેરિત ગુંડાઓ આ સ્થિતિએ જશે એ અમને ખબર ન હતી.પરંતુ, હવે ગુજરાતની જનતા આ લોકોને જવાબ આપશે.ગુજરાતમાં બહુ ગંભીર સ્થિતિ છે. અમે આગળની કાર્યવાહી કરીશું.

વિસાવદરના લેરિયા ગામમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે.

મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલા સોમનાથમાં જન સંવેદના યાત્રાની શરૂઆત માટે પહોંચેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરિસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાઇરલ થયેલો જૂનો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિરોધ નહીં, પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ આમઆદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો.

Related Post

Verified by MonsterInsights