રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતની ઘટનાઓમાં વધારો થયો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કર્યો હોવાની હકીકત સામે આવે છે. તો કોઈ વ્યક્તિએ પ્રેમ સંબંધના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા ST બસ સ્ટેશન પર માંડવીથી અમદાવાદ જઈ રહેલી એક બસની અંદરથી એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ ST વિભાગના અધિકારીઓએ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પ્રાથમિક તબક્કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવક અને યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર રવિવારના રોજ યુવક અને યુવતી રાધનપુરથી પાલનપુર જવા માટે માંડવીથી અંબાજી જતી બસમાં બેઠા હતા અને જ્યારે આ બસ ડીસા બસ સ્ટેશન પર પહોંચી ત્યારે કંડકટર આ યુવક અને યુવતી સુતા હોવાના કારણે તેને જગાડવા માટે ગયો હતો. કંડકટર દ્વારા યુવક અને યુવતીને જગાડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે બંને ઢળી પડ્યા હતા. તેથી તાત્કાલિક બસના કંડક્ટર દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને 108ને કરવામાં આવી હતી.
ઘટના સ્થળ પર પહોંચેલા 108ના કર્મચારીઓ યુવક અને યુવતીને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરો દ્વારા જ્યારે આ યુવક અને યુવતીની તપાસ કરવામાં આવી ત્યારે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણો ડીસા ઉત્તર પોલીસને થતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને યુવક અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવક અને યુવતી રાધનપુરના જ રહેવાસી હતા અને બન્ને પ્રેમી-પંખીડા હોવાનું અનુમાન છે. પ્રેમી પંખીડાઓ તેમના ઘરેથી ભાગ્યા બાદ તેમને બસમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસ દ્વારા યુવક અને યુવતીના પરિવારના સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.