Fri. Dec 27th, 2024

તહેવાર ટાણે રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો ન પહોંચતા કાર્ડધારકો ત્રસ્ત

અમદાવાદ શહેરમાં  પચાસ ટકા જેટલી રેશનિંગની દુકાનોમાં ઓક્ટોબર માસનો અનાજનો પુરતો જથ્થો પહોંચ્યો ન હોવાથી  રેશનિંગની દુકાનોના સંચાાલકો બુમો પાડી રહ્યા છે. જેના કારણે કાર્ડધારકો  તહેવારો ટાણે જ ભારે હાલાકીમાં મુકાયા છે. આવતીકાલે ઇદ એ મીલાદ છે ત્યારે શાહઆલમ, દાણીલીમડા, જુહાપુરા, રખિયાલ, મિર્ઝાપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં કાર્ડધારકો રેશનિંગની દુકાનોમાં બહાર લાઇન લગાવીને બેઠા છે પરંતુ અનાજનો જથ્થો ન હોવાથી તેઓ નિરાશા સાથે વીલા મોઢે ઘરે પરત ફરી રહ્યા છે.

દિવાળીને પંદરેક દિવસ બાકી છે. ત્યારે શહેરની મોટાભાગની રેશનિંગની દુકાનોમાં હજુ ઓક્ટોબર માસનો અનાજનો જથ્થો પહોંચ્યો ન હોવાથી કાર્ડધારકો ધક્કા ખાઇ રહ્યા છે. આગામી તા.૩૦ તારીખથી જ દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે અનાજના અપુરતા જથ્થા વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગની દિવાળી બગડશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેશનિંગની દુકાનોમાં અગાઉથી પુરતી માત્રામાં અનાજ, ખાંડ, તેલ સહિતનો જથ્થો પહોંચાડવાનો હોય છે પરંતુ પુરવઠા ખાતાનું તંત્ર ખાડે ગયું હોય તેમ લોકો સુધી અનાજ પહોંચી રહ્યું નથી.

છેલ્લા કેટલાક માસથી આ સ્થિતિ પ્રવર્તી રહી છે. સામે દિવાળી છે ત્યારે લોકો ખરીદીની તૈયારીમાં પડયા છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે અનાજ મેળવવાના પણ ફાંફા પડી ગયા હોવાનું કાર્ડધારકો જણાવી રહ્યા છે. ઓક્ટોબર માસનો પ્રધાનમંત્રી અન્ન યોજનાનો મફત મળવાપાત્ર જથ્થો અને નિયમિત મળતો જથ્થો બંને માટે હજારો કાર્ડધારકો ફાંફા મારી રહ્યા છે.

મોંઘવારીના માર વચ્ચે  અનાજ, ખાંડ, દાળ, તેલમાં વધેલો અસહ્ય ભાવ વધારો જોતા સામાન્ય માણસ કરિયાણાની દુકાનમાંથી આ વસ્તુઓ ખરીદી શકે તેવી સ્થિતિમાં નથી. મફત અને રાહત દરે ફક્ત રેશનિંગની દુકાનોમાંથી જ જથ્થો મળે તેમ છે. સરકારની જવાબદારી છેકે આવા પરિવારો સુધી રેશનિંગનું અનાજ  સમયસર પહોંચાડવું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં પુરવઠા વિતરણમાં ફેલાયેલી અવ્યવસ્થા લોકો માટે હાલાકીરૂપ બની રહી છે.

આગામી તા.૪ નવેમ્બરે દિવાળી છે. ત્યારે બજારમાં અત્યારથી જ ખરીદીનો માહોલ જામ્યો છે.નોકરી -ધંધાની સાથે સાથે  ઘર સફાઇ સહિતની કામગીરી કરવી પડી રહી છે ત્યારે સામાન્ય માણસ અનાજ માટે રેશનિંગની દુકાનોમાં ક્યાં સુધી ધક્કા ખાદ્યે રાખે તે બાબત પણ ચિંતાનો વિષય બની  રહી છે.

દિવાળી પહેલા લાભાર્થીઓ સુધી પુરતું અને સમયસર અનાજ  પહોંચી જાય અને દર મહિને આ ક્રમ પણ જળવાય તે જોવાનું કામ સરકારનું છે. રેશનકાર્ડધારકોની માંગણી છેકે આ સામાન્ય વર્ગની પીડા સરકાર સમજે અને તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય સમાધાન શોધે.

Related Post

Verified by MonsterInsights