ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં કુલ રૂ.65 લાખના ખર્ચે રોડ રી-કાર્પેટની કામગીરી તેમજ નવા રોડમાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10.40 લાખના ખર્ચે ઉમિયાનગર-2 સોસાયટીના રોડ રી-કાર્પેટની કામગીરી, રૂ.47.40 લાખના ખર્ચે પુનિતનગર સોસાયટીના રોડ રી-કાર્પેટની કામગીરી અને રૂ.7.18 લાખના ખર્ચે મહાદેવનગરથી ગણપતનગર સુધી સ્ટોર્મ, ડ્રેનેજ લાઈન નાંખવાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ઉપરાંત, બમરોલી ખાતે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓને ફોર્મ ભરવા તેમજ યોજનાનો લાભ લેવા માટેનો પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉધના વિસ્તારના 60 અને બમરોલીના 21 મળી કુલ 81 લાભાર્થીઓને સ્વનિધિ યોજના હેઠળ ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. જેથી પ્રત્યેકને રોજગારના વિકાસ માટે રૂ.10 હજારની સહાય મળી શકે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, ‘રાજ્યના ખૂણે-ખૂણે વિકાસના ફળો પહોંચે અને તમામ નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓનો લાભ તેમના ઘરઆંગણે જ મળે એ અમારી સરકારની પ્રાથમિકતા છે, જે માટે રાજ્ય સરકારે સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા લોકકલ્યાણકારી કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. પ્રધાનમંત્રીએ ‘આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન જોયું છે, ત્યારે રોજગારી મેળવવા લઘુઉદ્યોગ કરતાં સ્ટ્રીટ વેન્ડર્સ, ફેરિયાઓ જેવા નાના વ્યવસાયકારોને મદદરૂપ બનવા સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર સ્વનિધિ યોજના અમલી બનાવી છે.
ડાયરીથી વ્યાજનું દુષણ અટકાવવાં અને ડાયરીથી વ્યાજનો ધંધો કરતાં તત્વો પાસેથી લારી પાથરણાવાળા, સ્ટ્રીટ વેન્ડર્સ-ફેરિયાઓ નાણા ન લે, પરંતુ સ્વનિધિ યોજના હેઠળ રૂ.10 હજારની લોન મેળવે એવો તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી દેશના સામાન્ય માણસની ચિંતા કરે છે, જેમને પગભર બનાવવા આ યોજના અમલી બનાવી છે, ત્યારે વધુમાં વધુ લોકોને આ યોજનાનો લાભ લેવા માટે આહ્વાન કર્યું હતું.
તેમણે મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં હવે રોડરસ્તા, ડ્રેનેજ, પાણીની લાઇનો જેવા વિકાસકામોનું ખાતમુહુર્ત સોસાયટીના પ્રમુખ, આગેવાનો અને સ્થાનિક કોર્પોરેટરના હસ્તે થાય, ગુણવત્તાયુક્ત કામો થાય એ માટેની જવાબદારી સોસાયટીના પ્રમુખને આપવામાં આવશે એમ જણાવ્યું હતું.