Mon. Dec 23rd, 2024

દાહોદમાં પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો,ઘરવાળાઓએ પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

દાહોદ : જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળામાં પ્રેમપ્રકરણમાં હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયાને એક યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો છે. યુવતીએ પ્રેમીને મેસેજ કરી બોલાવ્યા બાદ પિતા અને ભાઈએ યુવકની કરી હત્યા કરી હોવાની હકીકત સામે આવી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેપુરા તાલુકાના મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયાને સાગળાપાળાની યુવતી સાથે પ્રેમ સંબંધો હોઇ યુવતીએ તેને ફોન કરી મળવા બોલાવતા સંજય તથા મનીષ બારીયા તરત જ મોટર સાયકલ લઇને ઘરેથી સાગળાપાડા ગયો હતો. સાગળાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા મેહુલને લઇ યુવતીના ઘર પાસે ગયો હતો. જ્યાં ઘરથી થોડે દૂર રોડ ઉપર યુવતી આવતા ત્રણે જણા મોટર સાયકલ ઉપર બેસી થોડે દૂર ગયા હતા અને સંજયે પ્રેમિકા સાથે થોડી વાર વાતચીત કરી પરત ઘરે મુકવા જતા હતા. તે દરમિયાન સાગડાપાડા ગામે પુલ પાસે આવતા પ્રેમિકાના પિતા દિનેશભાઇ ફુલજીભાઇ ચરપોટ તથા ભાઇ શિવરાજ બન્ને જણા હાથમાં લાકડી લઇને ઉભા હતા.

પ્રેમિકાના પિતાએ સંજયના માથામાં લાકડી મારતાં મોટર સાયકલ ઉપર સવાર સંજય, મેહુલ તથા પ્રેમિકા ત્રણેય જણા પડી ગયા હતા. ત્યાર બાદ પ્રેમિકાના પિતાએ અને ભાઇએ નીચે પડેલા સંજયને લાકડીઓ વડે માર મારતાં માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ગભરાયેલા હુમલાખોર પિતા-પુત્રએ તેને કારમાં બેસાડી દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કરાવ્યો હતો.

ઘટનાની જાણ મેહુલે સંજયના ઘરે કરતાં પરિવારજનો તાત્કાલિક દાહોદ દવાખાને પહોંચી ગયા હતા. સંજયને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને બેભાન અવસ્થામાં હતો. ત્યારબાદ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતક સંજયના પિતા રમસુભાઇ કીકલાભાઇ બારીયાએ સુખસર પોલીસ મથકે દિનેશભાઇ પુલજીભાઇ ચરપોટ તથા તેના પુત્ર શિવરાજ બન્ને વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Post

Verified by MonsterInsights