Fri. Nov 22nd, 2024

બોલિવુડની દિગ્ગજ અદાકાર મીનૂ મુમતાજનું અવસાન, કેનેડામાં અંતિમ શ્વાસ લીધા

બોલિવુડના ફિલ્મ જગતની દિગ્ગજ અદાકાર મીનૂ મુમતાઝનું 79 વર્ષની વયે આજે કેનેડામાં નિધન થયું છે. મીનૂ મુમતાઝના અવસાનથી મનોરંજન જગત શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના ભાઈ અનવર અલીએ મીડિયાને તેમના અવસાનની જાણ કરી હતી. અનવર અલીએ મીનૂ મુમતાઝના અવસાનની જાણકારી આપવાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, મીડિયા, ફેન્સ, ફ્રેન્ડ્સ તમામનો મીનૂ મુમતાઝને પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો.

મીનુ મુમતાઝ કોમેડિયન મહેમુદ અલીના બહેન હતા. 50 અને 60ના દાયકામાં મુમતાઝે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.તેમણે 1950 અને 1960 એમ બે દાયકા દરમિયાન અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. મુમતાઝે ફિલ્મોમાં ડાન્સર અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમનું સાચું નામ માલિકુન્નીસા અલી હતું.

ફિલ્મો આવ્યા બાદ અભિનેત્રી મીના કુમારીએ તેમનું નામ મીનૂ પાડ્યું હતું. મીનૂએ સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 50ના દશકામાં તે ડાન્સર તરીકે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

તેમણે 1963ના વર્ષમાં ડાયરેક્ટર એસ અલી અકબર સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન દ્વારા તેમને 3 દીકરીઓ અને એક દીકરો છે. તેઓ ઘણાં સમયથી કેનેડા રહેતા હતા અને જિંદગીના અંતિમ શ્વાસ પણ ત્યાં જ લીધા.

Related Post

Verified by MonsterInsights