દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધી રહયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત નોંધાયા છે. એનાથી સાબિત થાય છે કે દેશમાં ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના દર્દીઓમાં 40%નો વધારો થયો છે.
બુધવારે 94 દિવસ પછી દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર થઈ છે. મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં કોવિડ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે 8 વાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 24 કલાકમાં સક્રિય કેસ 3641 થયા છે.
અપડેટ આંકડા પ્રમાણે, વધુ 8 લોકોનાં આ મહામારીને કારણે મોત થયાં છે. આમ, હવે દેશમાં કુલ કોરોનાના કારણે થયેલાં મોત 5,24,723 થયાં છે. કોરોનાના વધતા કેસને કારણે ફરી સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધી છે.
કોરોનાનો આ આંકડો જોતાં ખ્યાલ આવે છે કે આ મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. એક જૂનથી સાત જૂન સુધીમાં રોજ કોરોનાના કેસ ચાર હજાર આસપાસ જોવા મળ્યા છે, જ્યારે ચાલુ સપ્તાહે શરૂઆતના દિવસોમાં જ 5 હજારથી વધુ કેસ નોંધાવા લાગ્યા છે.