પંજાબ પોલીસે ડગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પાકિસ્તાનમાંથી જમ્મુ-કાશ્મીરના રસ્તે પંજાબ પહોંચેલો ૧૬ કિલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. ડ્રગ્સનો મુખ્ય સ્મલગર રણજીત સિંહ ઉર્ફે સોનુની ધરપકડ પંજાબ પોલીસે કરી હતી.
બાતમીના આધારે પોલીસે એક એસયુવી કારનો પીછો કર્યો હતો. પંજાબથી પઠાણકોટ જઈને ૧૬.૭૫ કિલો ડ્રગ્સનો જથ્થો લઈ આવવાનો હતો. પોલીસે ૧૬ પેકેટ્સ સાથે આરોપીને રંગે હાથ પકડી લીધો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૮૫ કરોડ રૂપિયા જેટલી થાય છે. આરોપીએ પોલીસ પાસે કબૂલ્યું હતું કે કાશ્મીરના નૌશેરા વિસ્તારમાંથી તેણે આ જથ્થો મંગાવ્યો હતો. પાકિસ્તાનના રસ્તે એ જથ્થો નૌશેરામાં પહોંચ્યો હતો.
પાકિસ્તાનમાંથી જમ્મુ-કાશ્મીર અને હરિયાણા-પંજાબમાં ડ્રગ્સ ઘૂસાડવાનું વધી ગયું છે. પંજાબ પોલીસે જ છેલ્લાં આઠ મહિનામાં ૪૦૦ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. હજુ ગયા મહિને જ પંજાબ પોલીસે અફઘાનિસ્તાનના નાગરિક સહિત ૧૭ કિલો ડ્રગ્સ પકડી પાડયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૯૦ કરોડ રૂપિયા થાય છે.
દરમિયાન પશ્વિમ બંગાળના માલ્દાથી ચાર કિલો હેરોઈનનો જથ્થો સ્પેશિયલ ફોર્સે કબજે કર્યો હતો. નવી દિલ્હીથી સ્પેશિયલ રાજધાનીમાં બેસીને ત્રણ શખ્સો ડ્રગ્સનો જથ્થો માલ્દામાં ઘૂસાડવાની પેરવીમાં હતા. એ વખતે જ લગભગ ૨૦ કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો અને ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા.