ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નવજાત શિશુ મળી આવ્યું હતું. નડિયાદમાં સતરાંમ મંદિર રોડ પાસે આવેલ માઇ મંદિર નજીકથી 2થી 3 દિવસનું શિશુ મળી આવતા લોકોની ભીડ જમા થઈ હતી .
ઉલ્લેખનીય છે કે, નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાળકના વાલી-વારસ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ચાર ટીમ બનાવી અલગ અલગ દિશામાં તાપસ કરતા આખરે આ શિશુને છોડનાર માતાને માત્ર બે જ કલાકમાં ઝડપી લીધી હતી.
નોંધનીય છે કે, શિશુને છોડનાર મહિલા દાહોદની વતની હોવાનું સામે આવ્યું છે. આ મહિલા 5-6 મહિના પહેલા ગર્ભવતી હતી ત્યારે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી આ મહિલા નડિયાદ શહેરમાં ડાકોર રોડ ઉપર તેના માસીને ત્યાં ઝુપડામાં રહેતી હતી. આ મહિલાએ બાળકને ચાર દિવસ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બાળકને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે રખાયું છે. બાળક શારીરિક રીતે તંદુરસ્ત પણ મેડિકલ ચેકઅપમાં કમળાની અસર હોવાનું સામે આવ્યું છે.