
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર અને માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા સાથે ઘડુલી-સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
તેમણે કુલ ૨૬૪ કી.મી ની લંબાઈના આ નેશનલ હાઇવે નંબર ૭૫૪ k ની ચાર લિંક જેમાં ઘડુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ અને ખાવડા નો સમાવેશ થાય છે તે લિંકના ૩૨૦ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઇ રહેલા માર્ગ નિર્માણ કામો નિહાળ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવેનું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરા થી સફેદ રણ વચ્ચેનું અંતર ૮૦ કી.મી જેટલું ઘટી જશે.
એટલું જ નહિ ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડાને સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવિટી મળતી થશે.૧૦૦ જેટલી બોર્ડર આઉટ પોસ્ટને પણ આ કનેક્ટિવિટીનો વ્યૂહાત્મક લાભ મળશે.

નેશનલ હાઇવે ડિવિઝનના પ્રોજેક્ટની મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, એપીએમસી ભુજના ચેરમેનશ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા તથા અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: પંકજ જોષી