Fri. Oct 18th, 2024

૫૦ વર્ષની વીજ વિભાગની કામગીરી ૧૦ કલાકના વાવાઝોડામાં નષ્ટ : પુનઃસ્થાપન માટે રાજય સરકાર કટિબધ્ધ-મંત્રી સૌરભભાઇ પટેલ

રાજયના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જાફરાબાદ ખાતે જણાવ્યું હતું કે, રાજયસરકાર દ્વારા પુનઃસ્થાપનની કામગીરી માટે બિહાર અને કલકત્તાથી હવાઇ માર્ગે શ્રમિકોને લાવવામાં આવી રહયા છે. અને શકય તેડલી ઝડપે જનજીવન થાળે પાડવાના પ્રયાસો કરાઇ રહયા છે.

તૌતે વાવાઝોડાએ જાફરાબાદ અને રાજુલા તાલુકામાં વેરેલા વિનાશમાંથી આમજનતાને બેઠી કરવા માટે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહયું છે, તે બાબતનો ઉલ્લેખ કરી મંત્રીશ્રી પટેલે કહયું હતું કે, છેલ્લા ૫૦ વર્ષની વીજ વિભાગે કરેલ કામગીરી ૧૦ કલાકના વાવાઝોડામાં નષ્ટ થઇ ચુકી છે, જે સૂચવે છે કે વાવાઝોડું કેટલું વિનાશક હતું, તેમ છતાં રાજયસરકાર કોઇ પણ ભોગે પરિસ્થિતિ થાળે પાડવા પૂર્ણ કટિબધ્ધતાથી કામ કરી રહી છે. ખોરવાયેલા વીજ પુરવઠાને લીધે સ્થિતિ પહેલાં જેવી કરવામાં ખૂબ પડકારો સામે આવી રહયા છે. ૨૨૦ અને ૬૬ કિલોવોટના ઘણા વીજ સબસ્ટેશનો સંપૂર્ણ નાશ પામ્યા છે. વીજળીના થાંભલા અને વાયરોને પારાવાર નુકસાન થયું છે, તેમ છતાં રાજયસરકાર વિવિધ વિભાગોના સંકલનમાં રહીને રાત-દિવસ જોયા વગર નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા અવિરત કામગીરી કરી રહી છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કરાઇ રહેલી બચાવ-રાહતની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ બંને તાલુકાઓમાં રોજના ૧૦૦૦ થી વધુ મજૂરો પુનઃસ્થાપનની કામગીરી કરી રહયા છે, વીજળીના થાંભલા ઉભા કરવાના કામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી જનજીવન પૂનઃ પૂર્વવત થઇ શકે. જેટકો ઉપરાંત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ અને શ્રમિકોને બોલાવીને ખૂબ ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરાઇ રહયા છે.

પાણીવિતરણ અંગે મંત્રીશ્રીએ કહયું હતું કે, ઘણા ખરા ગામોમાં પાણી વિતરણ પૂર્વવત થઇ ગયું છે, અને છેવાડાના ગામોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરાઇ રહયું છે. પાણી વિતરણ રાબેતા મુજબનું કરવામાં નગરપાલિકાઓ પૂર્ણ સહકાર આપી રહી છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, પક્ષના કાર્યકર્તાઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો વગેરેએ આપેલા સહકાર બદલ મંત્રીશ્રી સૌરભભાઇએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related Post

Verified by MonsterInsights