છેલ્લા બે વર્ષમાં, કોરોનાને પગલે વાલીઓની નબળી આર્થિક સ્થિતિને કારણે મોટી સંખ્યામાં ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓને સરકારી શાળાઓમાં પ્રવેશ થયા છે. પરંતુ રાજ્યમાં બીજી બાજુ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે સરકારે હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી પ્રાથમિક શાળાઓ શરૃ કરવા માટે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ ડીપીઓ અને કોર્પોરેશન શાળાઓના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની વિગતો મંગાવી છે.
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓમાંથી કોર્પોરેશન શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ નોંધાયા છે અને વધુમાં જિલ્લાની ગ્રામ્ય સરકારી શાળાઓમાં તેમજ અન્ય જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો બાળકોના પ્રવેશ થયા છે. ખાસ કરીને કોર્પોરેશનની અને જીલ્લા પંચાયત હેઠળની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ માટે ભારે ડિમાન્ડ છે. જેના પગલે સરકારે રાજ્યમાં નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી અને કોર્પોરેશન સ્કૂલ બોર્ડના સત્તા મંડળો પાસેથી ધોરણવાર પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની વિગતો મંગાવી છે. તમામ ડીપીઓ-શાસનાધિકારીઓને 7 દિવસમાં તમામ વિગતો મોકલવા સૂચના આપવામાં આવી છે. અંગ્રેજી માધ્યમના કેટલા ધોરણો ચાલી રહ્યા છે તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા કયા સ્થળોએ જરૂરી છે તેમજ અંદાજે કેટલા શિક્ષકોની ધોરણવાર જરૃરિયાત છે તે સહિતની વિગતો મોકલવાની રહેશે.
આ પ્રસ્તાવિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય લેવાનું સરકાર વિચારી રહી છે, ત્યારે સરકારે 1 થી 6 અને ધો. 6 થી 8 શાળાઓ માટે વિષય શિક્ષકોના સૂચિત લાયકાત ધોરણો અંગે તમામ ડીપીઓ પાસેથી સૂચનો પણ માંગ્યા છે.