Mon. Dec 23rd, 2024

બનાસકાંઠાના ડીસામાં માત્ર 3 કલાકમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ

શનિવારે ગુજરાતમાં 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધાગધ્રામાં 2.5 ઇંચ, ધાનેરામાં 2 ઇંચ વરસાદ, પોશીના અને સાગબારામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ડીસામાં  3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેરના દિવાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી સૌથી પણ વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા માલિકોને કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે.

દાંતીવાડામાં શનિવારે સાંજે બે કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે વડગામ અને ધાનેરામાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આ સિવાય પણ અનેક જગ્યાએ છૂટો છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધો છે. જેમાં ડીસા પંથકમાં ત્રણ કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંતઅન્ના હાઇસ્કુલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર બહાર નીકળી ગયા હતા.

જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘુસી ગયું હતું. 100થી પણ વધુ દુકાનોમાં પાંચ-પાંચ ફુટ જેટલું પાણી ઘુસી જતા લોકોના માલ સામાનને ભારે નુકસાન થયું હતું દુકાનોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાન તરવા લાગ્યો હતો અને દુકાન માલિકોએ અંદાજીત એક કરોડથી પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો કલાકો સુધી તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી 82.40 ટકા વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 92.75 ટકા વરસાદ, કચ્છમાં સરેરાશ 87.63 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 82.41 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં સરેરાશ 73.92 ટકા વરસાદ ત્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 66.53 ટકા વરસાદ વરસ્યો છે.

 

Related Post

Verified by MonsterInsights