ફોગાટની કઝિન બહેન રિતિકાને ફાઈનલમાં હાર સહન નહી થતા જે બાદ તેમણે સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે. મૃતકના અંતિમ સંસ્કાર તેના વતન રાજસ્થાનના ઝુંઝનૂં જિલ્લાના જૈતપુરમાં મંગળવારે થયાં.
રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ફાઈનલ મુકાબલામાં રિતિકા ફોગાટને હાર મળી
રિપોર્ટ અનુસાર 17 વર્ષની રિતિકા છેલ્લા પાંચ વર્ષોથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. રિતિકાએ 12 થી 14 માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દરમિયાન 14 માર્ચે ફાઈનલ મુકાબલામાં રિતિકાને હાર મળી હતી.
રિતિકા આ હારથી આઘાતમાં સરી પડી
મળતી જાણકારી પ્રમાણે ફાઈનલ દરમિયાન મહાવીર ફોગાટ પણ ત્યાં હાજર હતા. રિતિકા આ હારથી આઘાતમાં સરી પડી હતી. 15 માર્ચે રાત્રે લગભગ 11 વાગ્યે મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનના રૂમમાં પંખા સાથે લટકીને રિતિકાએ આત્મહત્યા કરી.