કામરેજ ચાર રસ્તા ખાતે નીરામય હોસ્પિટલમાં કામ કરતો માંડવી તાલુકાના મોરીઠા ગામના યુવાને પ્રેમ સંબંધમાં મનદુઃખ થતાં યુવતીને ઉદ્દેશી હું તને પ્રેમ કરતો હતો અને હંમેશા પ્રેમ કરતો રહીશ, હું તને ભૂલી પણ નથી શકતો અને છોડી પણ નથી શકતો મારી પાસે એક જ રસ્તો છે તેવી સુસાઇડ નોટ લખી રૃમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
માંડવી તાલુકાના મોરીઠા ગામે નદી ફળિયામાં બ્રિજેશ સુરેશભાઈ ચૌધરી (ઉ.વ.૨૬) પરિવાર સાથે રહેતો હતો. બ્રિજેશ છેલ્લા બે વર્ષથી કામરેજ ચાર રસ્તા ખાતે રત્નપુરી સોસાયટીમાં આવેલી નીરામય હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને હોસ્પિટલના રૃમમાં એકલો જ રહેતો હતો.
શનિવારે વહેલી સવારે હોસ્પિટલમાં કામ કરવા આવેલા જમાબેને હોસ્પિટલનો મેઈન દરવાજો અંદરથી બંધ હોય ખોલાવવા પ્રયત્ન કર્યો હતો પણ બ્રિજેશે દરવાજો ન ખોલતાં બાજુમાં વિજયભાઈના મકાનના ધાબા ઉપરથી હોસ્પિટલના ધાબા ઉપર જઈ હોસ્પિટલમાં અંદર જતાં બ્રિજેશ રૃમમાં છત સાથે લગાવેલા પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો.બ્રિજેશને ગળે ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોતા કામરેજ પોલીસને જાણ કરાઈ હતી.
સ્થળ પર પહોંચેલી પોલીસે બ્રિજેશ પાસેથી સ્યુસાઈટ નોટ કબજે કરી હતી. જેમાં મને માફ કરી દેજો, હું જાઉં છું મારા ઘરવાળાએ કોઈને કઈ કેવું નહીં, એમાં કોઇ જવાબદાર નથી, મારા ડોક્ટર સંદીપ સર, શબીના મેડમ, લીલામાસી, ઝનાબેન પણ જવાબદાર નથી, હું પોતાની મરજીથી જાવ છું. યુવતીને ઉદ્દેશીને હું તને પ્રેમ કરતો હતો અને હમેશા કરતો રહીશ, તારી સાથે હંમેશ માટે રહીશ, હું તને ભૂલી પણ નથી શકતો અને છોડી પણ નથી શકતો, મારી પાસે એક જ રસ્તો છે, હું બધું છોડીને જાવ છું, મારૃ જીમ, મારૃ જોબ અને મારૃ ઘર છોડીને જાવ છું. તેમ લખાણ કરી નીચે અંગ્રેજીમાં બ્રિજેશ લખેલું હતું. બ્રિજેશે પ્રેમ સંબંધમાં કોઈ કારણસર મનદુઃખ થતાં ગળે ફાંસો ખાધો હોવાની શક્યતા સાથે કામરેજ પોલીસે દિવ્યેશ ચૌધરીની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.