ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. દર્દી આ હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયો હતો પણ ડોક્ટરે ડાબી કિડની જ કાઢી લીધી હતી. કિડની વગર એ દર્દી ચાર મહિનામાં જ મૃત્યુ પામ્યો હતો.

કન્ઝ્યુમર કોર્ટે જણાવ્યું હતું કે, કોઈ કર્મચારીના બેદરકારી ભરેલા કૃત્ય માટે હોસ્પિટલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર છે અને આ કેસમાં એ ઓપરેટિંગ ડોક્ટર છે. ‘એમ્પ્લોયર ફક્ત પોતાના કામ, કમિશન કે અવગણના બાબતે જવાબદાર નથી, પણ પોતાના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે કેમકે કોઈ ઘટના એમ્પલોયમેન્ટના કોર્સ અને સ્પેસમાં જ થાય છે. આ જવાબદારી ‘રિસ્પોન્ડન્ટ સુપીરિયર’ એટલે કે ‘માલિક જવાબદાર છે’ એ મુજબ નક્કી થાય છે.’ હોસ્પિટલને 2012થી 7.5% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં ખેડા જિલ્લાના વાંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલે તીવ્ર કમરનો દુખાવો અને યુરિન પાસમાં મુશ્કેલી થતાં બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલના ડૉ. શિવુભાઈ પટેલની સલાહ લીધી હતી. મે 2011માં તેમની ડાબી કિડનીમાં 14 mmની પથરી હોવાનું માલૂમ પડ્યું હતું. રાવલને વધુ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી, પણ તેમણે આ જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું નક્કી કર્યું. 3 સપ્ટેમ્બર, 2011ના દર્દીનું ઓપરેશન થયું હતું. ડોક્ટરે જ્યારે સર્જરી પછી દર્દીના પરિવારને જણાવ્યું કે પથરીની જગ્યાએ આખી કિડની જ કાઢવી પડી છે ત્યારે પરિવારને આશ્ચર્ય થયું હતું. ડોક્ટરે સામે કહ્યું હતું કે આ દર્દીના હિત માટે જ કરવામાં આવ્યું હતું.

જ્યારે રાવલને યુરિન પાસ કરવામાં વધુ મુશ્કેલી ઊભી થઈ ત્યારે તેને નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી તેમની સ્થિતિ વધુ બગડતાં અમદાવાદની IKDRCમાં લઈ જવામાં આવ્યા હતા. જાન્યુઆરી 8, 2012ના મૂત્રપિંડ સંબંધિત કોમ્પ્લીકેશન થતાં દર્દીનું મૃત્યુ થયું હતું.

દર્દીના પત્ની મીનાબેને નડિયાદની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનનો સંપર્ક કર્યો હતો અને ફોરમે 2012માં ડોક્ટર, હોસ્પિટલ અને યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કો. લિમિટેડને તબીબી બેદરકારી દાખવવા બદલ 11.23 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હોસ્પિટલ અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે ચૂકવણી બાબતે વિવાદ થતાં જિલ્લા કમિશનના આદેશથી તેમને રાજ્ય કમિશનમાં મોકલવામાં આવ્યા હતા. વિવાદને સાંભળ્યા બાદ સ્ટેટ કમિશને નોંધ્યું કે હોસ્પિટલ પાસે હોસ્પિટલના અને બહારના દર્દીઓ માટે વીમા પોલિસી છે પણ ડોક્ટર તરફથી થતી બેદરકારી માટે વીમાદાતા જવાબદાર નથી. દર્દીની સર્જરી ફક્ત પથરી કાઢવા માટેની હતી અને પરિવારની સંમતી પણ એ માટે જ લેવાઈ હતી, પરંતુ એના બદલે કિડની જ કાઢી લેવાઈ. એટલે આ કેસમાં દેખીતું છે કે હોસ્પિટલ અને જે-તે ડોક્ટરની બેદરકારીથી જ દર્દીનું મૃત્યુ થયું છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights