Mon. Dec 23rd, 2024

અમદાવાદ: બદમાશો બન્યા બેખોફ,રખિયાલમાં તલવાર વડે એક શખ્સ પર કર્યો હુમલો

અમદાવાદ : રખિયાલ વિસ્તારમાં ગુંડાઓ બેખોફ બાઇક પર સવાર થઇ તલવાર વડે એક વ્યક્તિ પર હુમલો કરી દેતા ભયનો માહોલ સર્જાયો હતો. રખિયાલ નાગરવેલ હનુમાન પાસેના કેવલ કાંટા વિસ્તારમાં અસામાજીક તત્વોએ તલવાર સહીતના હથીયારથી એક વ્યક્તિ ઉપર હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે, ત્રણ અસામાજીક તત્વો સામે ગુનો નોંધીને તેમને ઝડપા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

રખિયાલ ભારત મિલની પાછળ ગોવિંદ પટેલના બંગલામાં રહેતા રોહિત શુક્લાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજના પાંચ વાગે પોતાનું કામ પૂર્ણ કરી પરત ધર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન કમલ રેસ્ટોરન્ટની બાજુમાં પાછળથી બાઇક પર સવાર ત્રણ બદમાશો એકદમ નજીક આવી હાથમાં રાખેલ તલવાર વડે હુમલો કરી દીધો હતો.

રોહિત શુક્લાને હાથના કાંડાના ભાગે તલવારનો ઘા વાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ બાઇક પર ભાગી ગયા હતા. જો કે ફરિયાદી રોહિત શુક્લાએ બાઇક પર સવાર બે લોકોને ઓળખી કાઢ્યા હતા. જ્યારે અન્ય એક અજાણ હતો. જેમાં બાઇક ચાલક બાપુનગર ખાતે રહેતો જોયેબ પઠાણ અને વચ્ચે બેઠેલ પંકજ હતો.

આ મામલે રખિયાલ પોલીસે પંકજ, જોયેબ પઠાણ તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights