ગુજરાત પોલીસે એક મોટા IPL રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનું કાવતરું ગુજરાતના એક ગામમાં ઘડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી, એક નકલી IPL લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં નકલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), ગુજરાત ટાઇટન્સ (GT) અને અન્ય IPL ટીમો સામેલ હતી. એક અહેવાલ મુજબ રશિયા સહિત યુરોપિયન દેશોમાંથી લીગ મેચો પર સટ્ટાબાજી કરવામાં આવી રહી હતી. આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ યુટ્યુબ પર કરવામાં આવી રહ્યું હતું.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામમાં આ નકલી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ મામલો સામે આવ્યો તે પહેલા ક્વાર્ટર ફાઈનલ સુધી મેચ રમાઈ ચુકી હતી. આ મેચોનું YouTube પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, રશિયન શહેરો ટવેર, વોરોનિશ અને મોસ્કોમાંથી સટ્ટાબાજી કરવામાં આવી રહી હતી.
મજૂરો અને યુવાનોને લઈને નકલી ટીમો બનાવવામાં આવી હતી. આ લોકો CSK, RCB, MI, GT અને અન્ય IPL ટીમોની અલગ-અલગ જર્સી પહેરી રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર લીગનું આયોજન સટ્ટાબાજીના હેતુ માટે કરવામાં આવ્યું હતું અને રશિયન બજાર તેનું લક્ષ્ય હતું. પોલીસ વધુમાં જણાવે છે કે, એક ટેલિગ્રામ ચેનલના માધ્યમથી સટ્ટો રમાઈ રહ્યો હતો. મહેસાણા પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને હવાલા સાથેની લિંકની તપાસ કરી રહી છે.
IPL 2022 સમાપ્ત થયાના ત્રણ અઠવાડિયા પછી આ નકલી લીગ શરૂ થઈ હતી. જેમાં કુલ 21 યુવાનો અને મજૂરો સામેલ હતા. તેણે પાંચ એચડી કેમેરાની સામે વોકી-ટોકી સાથે એમ્પાયરિંગ પણ કર્યું. સ્ટેડિયમની ભીડનો અવાજ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. આનાથી રશિયામાં બેઠેલા લોકોને બધું વાસ્તવિક લાગતું હતું. મેરઠનો એક વ્યક્તિ લીગમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો, તે પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેનો અવાજ કાઢવામાં નિષ્ણાત હતો.
સટ્ટાબાજી માટે, પ્રખ્યાત રશિયન પબમાં આઠ મહિના કામ કર્યા બાદ મોલીપુર પરત ફરેલા શોએબ દાવડાએ આ છેતરપિંડી આચરી હતી. પોલીસ અધિકારી ભાવેશ રાઠોડે કહ્યું, ‘શોએબે ગુલામ મસીહનું ખેતર ભાડે લીધું અને ત્યાં હેલોજન લાઇટ લગાવી. તેણે 21 મજૂરોને મેચ દીઠ 400 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તે પછી એક કેમેરામેનને કામ પર રાખ્યો અને IPL ટીમોની ટી-શર્ટ ખરીદી.’ શોએબે બાદમાં પોલીસને જણાવ્યું કે રશિયન પબમાં કામ કરતી વખતે તે આસિફ મોહમ્મદને મળ્યો હતો, જે આ ઠગીની રમતનો માસ્ટરમાઇન્ડ હતો. આસિફે પબમાં રશિયન પંટરોને ક્રિકેટ વિશે ઝીણવટભરી માહિતી આપી હતી.