મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી.
મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતે પણ ટોપ 5માં જગ્યા બનાવી છે. સ્પર્ધામાં એડલિન કાસ્ટેલિનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથા નંબર પર જગ્યા બનાવી હતી. મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, ઈન્ડિયા, પેરૂ અને બ્રાઝિલ ટોપ-5માં પહોંચ્યા હતા.
આ સવાલનો જવાબ આપીને બની મિસ યુનિવર્સ
ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં એન્ડ્રિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે, જો તમે તમારા દેશના લીડર હોવ તો તમે કોવિડ-19 મહામારીને કેવી રીતે હેન્ડલ કરેત? તેના જવાબમાં તેણે કહ્યું કે, ‘મારૂ માનવું છે કે, કોવિડ-19 જેવી આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. જો કે, મારૂ એવું માનવું છે કે, મેં જે પગલા ભર્યા હોત તેમાં લોકડાઉન હોત, બધુ આટલી હદે થાય તે પહેલા જ કારણ કે, આપણે અનેક લોકોને ગુમાવ્યા છે. અને આપણે તે સહન કરી શકીએ તેમ નથી. આપણે આપણા લોકોની દેખભાળ કરવી પડશે. માટે હું શરૂઆતથી જ તેમનું ધ્યાન રાખતી.’
ફાઈનલ સ્ટેટમેન્ટમાં એન્ડ્રિયાએ બ્યુટી સ્ટાન્ડર્ડ વિશે કહ્યું કે, ‘આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જે ખૂબ એડવાન્સ છે. જેમ-જેમ આપણે એક એડવાન્સ સોસાયટી છીએ તેમ આપણે સ્ટીરિયોટાઈપની સાથે પણ એડવાન્સ છીએ. મારા માટે સુંદરતા ફક્ત આત્મામાંથી જ નહીં પણ દિલમાંથી પણ આવે છે અને આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેમાંથી પણ આવે છે. કદી કોઈને એ બતાવવાની મંજૂરી ન આપશો કે તમે મૂલ્યવાન નથી.’