ગૃહિણીઓને હવે રસોઈ બનાવવા માટે ચિંતા કરવાની જરૂર નથી, સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશથી આયાત કરેલા પામ ઓઇલ પરની આયાત દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આયાત દરોમાં ઘટાડો આજથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. આશા છે કે સરકારના નિર્ણયથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે અને હાલમાં પૂરતી રાહત મળી શકે છે.
નાણાં મંત્રાલય હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ક્રૂડ પામ ઓઇલ હવે 10 ટકા આયાત ડ્યૂટી આધિન રહેશે. હાલમાં તે 15 ટકાની આયાત ડ્યુટી હતી, જેમાં 5 ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય પામતેલ પરની આયાત ડ્યૂટી 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે અન્ય પામ તેલ પરની આયાત ડ્યુટીમાં 7.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઓક્ટોબરથી બજારમાં નવા તેલીબિયાંના આગમન સાથે ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પામતેલ પરનો ઘટાડેલો દર 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. જેથી ઘરેલુ તેલીબિયાં પાકના ભાવને અસર ન થાય અને ખેડુતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી શકે. અપેક્ષા છે કે ઘરેલુ પાક માટે સારા ભાવ જાળવવા 30 સપ્ટેમ્બર પછી પામતેલ પર આયાત ડ્યૂટી ફરી એકવાર વધારવામાં આવશે.