મોરબી : મોરબીના રામચોક નજીક જયદીપ પાઉભાજી વાળી ગલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બંધ શટર ઉચકાવતા જ ગળગળતી લાશ સીડી ઉપરથી નીચે આવતા આ ભેદભરમ વાળી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સીસીટીવી કેમેરાની મદદથી આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રામચોક વિસ્તારમાં જયદીપ પાઉંભાજી વાળી શેરીમાં અંજની કુરિયરની બાજુવાળા બીલ્ડીંગમાં સોમવારે સવારે કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે જવાનું શટર ખોલતા જ એક પુરુષની લાશ ગબડીને બહાર આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. ગઈકાલે રવિવાર હોવાથી આ કોમર્શિયલ બિલ્ડીંગ દિવસભર બંધ રહ્યું હતું અને શનિવારે પણ બપોરે જ બિલ્ડીંગ બંધ થયું હોવાથી આ બનાવ શનિવારે બપોર બાદ બન્યો હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે લગાવાઈ રહ્યું છે.
પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે અને અજાણ્યા મૃતકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. રામચોક વિસ્તારમાંથી આ રીતે લાશ મળવાની વાત પ્રસરતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે.