રાજકોટ ભાજપના મંડળ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના કાર્યકર્તાઓ ડાંસ કરતા હોય તેવા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ભાજપ દ્વારા રાજકોટ મહાનગર વોર્ડ નંબર 14ના મંડલ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના કાર્યકર્તાઓએ બોલિવુડ ગીત ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત પર ઠુમકા લગાવ્યા છે. ત્યારે હવે આ મામલે રાજકરણ પણ શરૂ થઇ ગયું છે. ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં હિન્દી ગીત પર કાર્યકર્તાના ઠુમકા કેટલા યોગ્ય કહેવાય? આ ઉપરાંત વોર્ડ નંબર 2માં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં પણ ભાજપના કાર્યકર્તાઓને ઠુમકા લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના ફોટો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.
રાજકોટ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, પ્રશિક્ષણ વર્ગ રાજકોટ અને અન્ય જગ્યા પર ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યા છે. આ વર્ગમાં રાત્રે સાંજના સમયે સંસ્કૃતીક કાર્યક્રમનું એક સત્ર છે. તેમાં કાર્યકર્તાઓ આ કૃત્તિઓ રજૂ કરતા હોય છે. તેનો કદાચ આ વીડિયો તે સમયનો હોઈ શકે છે. ભાજપનો કાર્યકર્તા સંપૂર્ણ શિસ્તમાં રહે છે. અમારો કાર્યકર્તા શિસ્તમાં રહેવા માટે ટેવાયેલો છે. કાર્યકર્તાઓએ કોઈ ઠુમકા માર્યા નથી કાર્યકર્તાઓ બિચારા કામ કરી રહ્યા છે. ભાજપનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહ્યો છે એટલા માટે જ તેમને લોકો મત આપે છે. હું સંપૂર્ણપણે માનું છું કે આ પ્રશિક્ષણ વર્ગનું એક સત્ર છે તેમાં આ કાર્યક્રમ રજૂ કર્યો હશે. આ સારા વર્ગો છે અને સારી રીતે ચાલી રહ્યા છે.
આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કહું છું કે ભાજપ જે શિક્ષણના વર્ગ ચલાવે છે તેમાં શેના શિક્ષણ આપે છે. કેવી રીતે પેપર ફોડવા અને 25 વર્ષથી ગુજરાતની જનતાની જે રીતે મશ્કરી થઇ રહી છે તે અભિમાન બતાવે છે એટલે સંગીતાના આવા સુર વાગે. હજુ તો આ થોડું ઠીક છે નહીં તો જૂમ શરાબી જૂમ વાગે. ભાજપને જે રીતે ગુજરાતની જનતા પાર્ટીએ આંધળો પ્રેમ કર્યો છે તેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં એક અભિમાનનું સ્તર ચઢી ગયું છે.
આ બાબતે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ભાજપનું કલ્ચર હવે બદલાયું છે. ઘણા બધા મુદ્દાએ પ્રજાએ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ જગ્યા પર શિસ્તનું પાલન ન કરવું, લોકોન ભેગા કરવા, રોંગ સાઈડમાં ગાડી ચલાવવી, માસ્ક ન પહેરવા ભાજપનું આ કલ્ચર હવ ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લું પડી રહ્યું છે. કોઈ પણ કાર્યક્રમમાં તે લોકોએ મનોરંજન કર્યું હોય. પણ ચાલુ પ્રશિક્ષણ વર્ગમાં આ થયું હોય તો તે ટીકાને પાત્ર છે.
આ બાબતે ભાજપના નેતા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે, આ વાતનું વટેસર થયું છે. આખા દિવસના પ્રશિક્ષણ વર્ગ હોય છે. એટલે રાત્રે ભાજપના પક્ષના કોઈ પણ પક્ષના કાર્યક્રમમાં સંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. અમારા કાર્યક્રમમાં મોટે ભાગે દેશ ભક્તિના ગીતો હોય છે. ક્યારેક અંટાક્ષરી પણ રમાતી હોય છે. અમે ક્યાય નૈતિક મૂળનું ઉલ્લંઘન નથી કર્યું કે પછી ક્યાય મર્યાદાનો ભંગ નથી કર્યો. હવે અમે તકેદારી રાખીશું છે અને ભવિષ્યમાં કાર્યક્રમમાં હિન્દી ગીત ન વાગે તે માટે ધ્યાન રાખીશું. આમાં કોઈ મેટર નથી. આમાં ક્યાય સૌજન્યતાનો ભંગ પણ નથી. એક નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. મને એમ લાગે છે કે આ વાતને અહિયાં પૂરી કરીએ તો સારું.