રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રાજ્યભરમાં સ્વિમિંગ પૂલ, સ્પા સહિતના એકમો બંધ રાખવાનો હુકમ છે. તેમ છતાં રાજકોટ શહેરમાં મનાઈ હોવા છતાં સ્પાના હાટડા ખુલ્લા રાખનાર સંચાલકો સામે રાજકોટ પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે કે યુનિવર્સિટી પોલીસ દ્વારા સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવનાર બે જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી પણ સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો હતો. અહીં સંચાલક સહિત બે લોકોની ધપકડ કરી હતી.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પીએસઆઇએ બી જાડેજા અને તેમની ટીમના માણસોને બાતમી મળી હતી કે, શુભ ધારા કોમ્પ્લેક્ષમાં મયુર ભજીયાની ઉપર નામ બીજા માળે લક્ઝરિયસ સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે જે બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા દરોડો પાડતા કુટણખાનુ ઝડપાયું હતું. યુનિવર્સિટી પોલીસ નૈતિક ભાઈ અને વિનોદ ભાઈ રણછોડભાઈ ડઢાણીયાની ધરપકડ કરી છે જ્યારે કે અશ્વિનભાઈ ચનીયારાની શોધખોળ શરૂ કરી છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા કુલ 43,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આજરોજ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે ડીસીપી મનોહર સિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રેસ કોન્ફરન્સમાં ડીસીપી મનોહર સિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રવિવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફર્લો સ્કવોડ સહિતની દસ જેટલી ટીમ દ્વારા પોલીસે જુદા-જુદા સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન દોઢસો ફૂટ રીંગ રોડ બીગ બજારની અંદર આવેલા ઈસ્કોન મોલના શોપ નંબર 111માં સુગર સ્પા તેમજ શોપ નંબર 101 માં આવેલ પર્પલ ઓર્ચીડ સ્પા અને ઇન્દિરા સર્કલ નજીક આવેલા આત્મિજ સ્પા ખુલ્લી હાલતમાં મળી આવતા સરકારના જાહેરનામાનો ભંગ કરવા બદલ સ્પા ના સંચાલક તેમજ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ સુરતમાં સ્પાની આડમાં અનેક ગોરખ ધધાઓ ચાલી રહ્યા છે. સુરતનાં પોષ વિસ્તાર ગણાતા એવા વેસુ ઉમરા વિસ્તારમાં અનેક વાર આવા ગોરખ ધંધાઓ ઝડપાઈ ચુક્યા છે. ત્યારે વધુ એક વાર આ પ્રકારનાં ગોરખ ધંધાનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચની ટીમે કર્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બિઝનેસને લગતી ઓફિસો આવેલી છે. જો કે કેટલીક ભાડેથી અપાયેલી દુકાનોમાં અનેક ગોરખધંધા ચાલી રહ્યા છે. સેન્ટરમાં પહેલાં માળે ટોપ થાઈ સ્પામાં કુટણખાનું ઝડપાયું છે. આ બાબતે શનિવારે સાંજે ક્રાઇમબ્રાંચે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. દરમિયાન એક ગ્રાહક લલના સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હતો.
હાલમાં ડીસીબીની ટીમે જાતે ફરિયાદી બની સ્પાનો સંચાલક ફરહાન ઈકબાલ જાવેદ અને 26 વર્ષીય ગ્રાહક સુખારામ સનવરરામ મૈયાને પકડી પાડી ઉમરા પોલીસને સોંપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની યુવતીઓ વિઝિટ વિઝા પર સુરતમાં આવી સ્પામાં નોકરી કરે છે. સ્પામાં નોકરી કરનારી મોટેભાગની થાઇ યુવતીઓ મગદલ્લા ગામમાં રહે છે. થોડા સમય પૂર્વે અગાઉ મગદલ્લામાં થાઇ યુવતીની હત્યા થઈ હતી. જો શહેર પોલીસ વિભાગ દ્વારા મગદલ્લા ગામ સહિતના વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં અહીં રહેતી વિદેશી યુવતીઓ કેવા પ્રકારના ધંધામાં સંડોવાયેલી છે તે સામે આવી શકે છે. હાલ તો પોલીસે આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.