Tue. Dec 24th, 2024

રાજ્યમાં લોકડાઉન કરવા માટે ગુજરાત સરકારની ગંભીર વિચારણા, શહેરોમાં કોરોનાની ચેન તોડશે, ગામડાના સુપર સ્પ્રેડરને કાબૂમાં કરશે

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યુથી માંડીને અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જ્યારે અદાલતોથી લઈને ગુજરાતના વેપારીઓ, ડોક્ટરો અને સામાન્ય જનતા પણ લોકડાઉનની માંગ કરી રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં કોરોનાની ચેન ઝડપથી તોડવા અને ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સી દૂર કરવા 5મે થી એક અઠવાડિયા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાદી શકે છે. તેના માટેની ગંભીર વિચારણા પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.

મેડિકલ ઈમરજન્સી હળવી કરવા લોકડાઉન રામબાણ ઈલાજ
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શનની અછત જેવી મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ સહિતના નિયંત્રણ મુક્યા હોવા છતાં પણ કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે,પણ મોતના આંકડા તો દરરોજ 150થી વધુ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ બેડની પરિસ્થિતિ ગંભીર બની રહી છે, આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રની કોવિડ ટાસ્ક ફોર્સે પણ લોકડાઉન કરવાની સરકારને ભલામણો કરી છે, ત્યારે હવે ગુજરાતમાં દિનપ્રતિદિન બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને એકમાત્ર વિકલ્પ લોકડાઉન કરીને ઝડપથી કોરોનાની ચેન તોડી ગુજરાતમાં કોરોનાને કાબુમાં લાવવો પડશે.

દિવસેને દિવસે ગામડાઓમાં સ્થિતિ ગંભીર બની રહી છે.
દિવસેને દિવસે ગામડાઓમાં સ્થિતિ ગંભીર બની રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં તો સંક્રમિતો બેફામ બની ફરી રહ્યા છે
ગુજરાતમાં 5 મે પછી નિયંત્રણો અને રાત્રિ કર્ફયુ લંબાવવાને બદલે લોકડાઉન લાદવામાં આવી શકે છે, કેમકે શહેરોની સાથે ગામડાઓમાં પણ કોરોનાના કેસો જેટ ગતિએ વધી રહ્યા છે. જેનું કારણ એવું પણ છે કે, લોકડાઉન ના હોવાથી જનતા બેફામ બની શહેરમાં તો ઠીક ગામડા સુધી પહોંચવા લાગી છે અને ગુજરાતમાં સુપર સ્પ્રેડર વધી રહ્યા છે.

ભાજપના નેતાઓને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવા સૂચના
ગુજરાતમાં લોકડાઉનની શક્યતા માટે એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ભાજપના નેતાઓને દરેક વિસ્તારમાં ભોજનની વ્યવસ્થા કરવાથી લઈને ગરીબોને મદદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જેથી લોકડાઉન આવે તો પણ ગરીબોને અનાજ અને જમવાની વ્યવસ્થા થઈ શકે.

લોકડાઉન અંગે કેન્દ્ર આજે નિર્ણય લઈ શકે
હાલ સમગ્ર દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. ICMRએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.

Related Post

Verified by MonsterInsights