Mon. Dec 23rd, 2024

લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે અસ્વીકાર્ય:પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક અરજીને ફગાવતા જણાવ્યું છે કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી. આ અરજી ભાગી ગયેલા યુગલ દ્વારા રક્ષણ મેળવવા માટે કરવામાં આવી હતી. ૧૯ વર્ષીય ગુલઝા કુમારી અને ૨૨ વર્ષીય ગુરવિંદર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સાથે જ રહે છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

તેમણે આ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે તેમને કુમારીના માતાપિતા તરફથી જાનનો ખતરો છે. ન્યાયમૂર્તિ એચ એસ મદને પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ અરજી પરથી એવુ લાગે છે કે અરજકર્તા પોતાના લિવ ઇન રિલેશનશીપને મંજૂર રાખવાની માગ કરી રહ્યાં છે. જે નૈતિક  અને સામાજિક રીતે સ્વીકાર્ય નથી. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલની સુરક્ષા કરવા માટે આદેશ જારી શકાય નહીં.

અરજકર્તાના વકીલ જે એસ ઠક્કરના જણાવ્યા અનુસાર સિંહ અને કુમારી તર્ન તરન જિલ્લામાં એક સાથે રહે છે. વકીલના જણાવ્યા અનુસાર કુમારીના માતાપિતા લુધિયાણામાં છે અને તેમને પોતાની દીકરીનું લિવ ઇન રિલેશનશીપ મંજૂર નથી.

વકીલના જણાવ્યા અનુસાર યુગલ એટલા માટે પરણી શકતા નથી કારણકે કુમારી પાસે ઉંમર સહિતના દસ્તાવેજો નથી અને આ દસ્તાવેજો તેના માતાપિતાના કબજામાં છે અને તેઓ તેને આ દસ્તાવેજો આપી રહ્યાં નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતમાં ભિન્ન મત ધરાવે છે. મે, ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બનેલી ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પુખ્ય વયના યુવક અને યુવતીને લગ્ન કર્યા વગર સાથે રહેવાનો અધિકાર છે.

Related Post

Verified by MonsterInsights