વડોદરા શહેરના જેલ રોડ પર સ્કૂટર પર જઇ રહેલી યુવતીને ટ્રાફિક સિગ્નલ તોડીને ભારે પડી ગયું હતું. ટ્રાફિક સિગ્નલ તોડ્યા બાદ સ્કૂટર ચાલક યુવતી સામેથી આવી રહેલી કાર સાથે અથડાઇ હતી. આ ઘટના સર્કલ પરના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જોકે, સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો અને દુર્ઘટના ટળી ગઇ હતી.
સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે
વડોદરા શહેર પોલીસે આ વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..’ જેને લઇને કેટલાર શહેરીજનોએ રિ-ટ્વિટ કર્યાં હતા. જેમાં ટ્વિટર યુઝર અનુરાગ શર્માએ જણાવ્યું હતું કે, આખા શહેરના ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને ડ્રાઇવિંગની ટ્રનિંગ આપવાની જરૂર છે.
ટુ-વ્હીલર સવારોમાં કોઈ શિસ્ત નથી
સોમેશ નામના એક યુઝર્સે લખ્યું છે કે, વડોદરા એક સમયે તે સંસ્કારીનગરી તરીકે જાણીતી હતી, હવે તે સૌથી વધુ અસંસ્કારીનગરી છે. ટુ-વ્હીલર સવારોમાં કોઈ શિસ્ત નથી અને ફોર વ્હીલર ચાલકોમાં શિસ્ત નથી. ડ્રાઇવિંગ તાલીમ શાળાઓ પણ સંપૂર્ણ બોગસ છે.
દંડ કરવા કેમેરાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે
અન્ય એક ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે, જ્યારે નિયમો કડક ન હોય અને લોકોને તેને તોડવા બદલ ચલણ અને દંડ ન મળે, ત્યારે તેઓ નિયમો તોડશે. શરૂઆતમાં જ્યારે કેમેરા લગાવવામાં આવ્યા હતા, ત્યારે બધું સારું હતું, હવે તેઓએ ડ્રાઇવરોને દંડ કરવા માટે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.