Thu. Jan 30th, 2025

વડોદરાની એક શાળામાં આગ, ફાયર ફાયટરોએ 500 બાળકોને સલામત બહાર કાઢ્યા

વડોદરા શહેરમાં શુક્રવારે એક બહુમાળી સ્કૂલ બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બિલ્ડીંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને 500 જેટલા વિદ્યાર્થીઓને સમયસર બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. તો બીજી તરફ ઘટનામાં કોઈપણ વિદ્યાર્થીને જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

મકરપુરા ફાયર સ્ટેશનના ડેપ્યુટી ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં હતા ત્યારે આગ લાગી હતી. તેમણે માહિતી આપી હતી કે, શાળાના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય ચાર માળ છે અને દરેક માળે હવાની અવરજવર થાય તેવા ચાર વર્ગખંડો છે.

અધિકારી ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આગની માહિતી મળતાં ફાયર વિભાગના જવાનો સવારે 9.30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમને તરત જ ખબર પડી કે ત્રીજા માળે આવેલા MCB સ્વીચબોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની જ્વાળાઓ નાની હતી, પરંતુ ગાઢ ધુમાડો ત્રીજા માળે સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયો હતો.

 

અધિકારી ગઢવીએ એમ પણ જણાવ્યું હતું કે, પહેલા અને બીજા માળના વિદ્યાર્થીઓ બહાર આવી શક્યા હતા, પરંતુ ત્રીજા અને ચોથા માળના વિદ્યાર્થીઓ ધુમાડાને કારણે કંઈ દેખાતું ન હોવાથી તેઓ ફસાઈ ગયા હતા. રેસ્પિરેટર સાથેના બે જવાનો બિલ્ડીંગમાં પ્રવેશ્યા અને ત્રીજા માળે આગ બુઝાવી દીધી અને ધુમાડો બહાર કાઢવા માટે તમામ બારીઓ ખોલી નાંખી હતી. ધુમાડો સાફ થયા બાદ અમે સીડીનો ઉપયોગ કરીને બિલ્ડિંગના મુખ્ય અને ઈમરજન્સી ગેટમાંથી લગભગ 500 બાળકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં માત્ર એક જ વિદ્યાર્થીને ઘૂંટણમાં સામાન્ય ઈજા થઈ હતી.

 

આગની ઘટનાને પગલે થોડીવાર માટે શાળામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ, આગ કાબુમાં આવ્યા બાદ શાળાના શિક્ષકો અને બાળકોના વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ ઘટનામાં માત્ર એક જ વિદ્યાર્થીને ઘૂંટણમાં સામાન્ય ઇજા થવા પામી હતી.

Related Post

Verified by MonsterInsights