વડોદરા જિલ્લા SOG PIની પત્ની સ્વીટી પટેલના ગુમ થવા મામલે મોટો ખુલાસો થયો છે. સ્વીટી પટેલની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના PI પતિ અજય દેસાઈએ કરી છે. આરોપી PI અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો.
PI અજય દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલામાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.
5 જૂન 2021ના રોજ સવારે 10.45 વાગ્યાની આસપાસ પોતાની બ્લેક કલરની કંપાસ કારમાં લાશ મુકીને બાજુના કમ્પાઉન્ડમાં ગાડી મુકી દીધી હતી. આ પછી 11.30ની આસપાસ પોતાના સાળા જયદીપને સ્વીટી ગુમ થયાના સમાચાર આપ્યા હતા.
ત્યારબાદ પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર કિરીટ સિંહ જાડેજા કરજણવાળાની મદદ લઈ સાંજના ચારેક વાગે કરજણ- આમોદ- વાગરાથી દહેજ હાઈવે પર અટાલી ગામના પાટીયા પાસે આવેલ કિરીટ સિંહની બંધ હોટલના પાછળના ભાગે આવેલ ખુણામાં લાશને સળગાવી દીધી હતી.
નોંધનીય છે કે PI દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા એ.ટી.એસ. ગુજરાતની સંયુક્ત તપાસની મદદથી સ્વીટી પટેલ ગુમ કેસમાં મહત્વના ખુલાસા થયા છે.