Sun. Dec 22nd, 2024

વલસાડના 170 બસ ચાલકને બગડેલું ખાવાનું અપાતાં રોષ

Youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા માટે 7 હજાર જેટલી સરકારી બસો ફાળવવામાં આવી હતી અને આ 7 હજાર બસમાં વલસાડ ડિવિઝનમાંથી 70થી 80 બસ સામેલ હતી. જોકે આ બસોના ડ્રાઇવરોને જમવાનું આપવામાં આવ્યું હતું તે ખરાબ હોવાના કારણે બસ ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ બસોના ડ્રાઇવરોને કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ શનિવારે મોડી રાત સુધી વડોદરાના નવલખી મેદાનથી છૂટા કરવામાં આવ્યા ન હતા, તેથી ડ્રાઈવરોમાં રોષ વધારે ભભૂક્યો હતો. એક ડ્રાઇવરે રોષ વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું કે, ફરજ પૂરી થઇ ગઈ હોવા છતાં જવા દેવામાં આવી રહ્યા નથી. તમામ ડ્રાઇવરો પોતાની ફરજ પૂરી કરીને બસને નવલખી મેદાનમાં લઈને પહોંચ્યા હતા. તો બીજી તરફ બપોરે જે ફૂડ પેકેટ આપવામાં આવ્યું હતું તે જમવા લાયક ન હતું.

 

આ ઘટના બાબતે વલસાડ ડેપોના ઇન્ચાર્જ વી.એસ. શર્મા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ડ્રાઈવરોને બપોરના સમયે જમવામાં પુરી અને શાક સહિતનું ભોજન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 10-10 બસોને નીકળવાની સૂચના પણ આપવામાં આવી હતી. જોકે કાર્યક્રમમાં વલસાડના 170 જેટલા બસ ચાલકને બગડેલું ભોજન આપવામાં આવતા ડ્રાઇવરો રોષે ભરાયા હતા. એક તરફ ડ્રાઇવરો જે આક્ષેપો કરી રહ્યા હતા તેમાં તંત્રની બેદરકારી જોવા મળી રહી હતી. તો બીજી તરફ તંત્રને બચાવવા માટે એસટી ડેપોના ઈન્ચાર્જ લૂલો બચાવ કરતા હોય એવું લાગી રહ્યું હતું. કારણકે તેમણે ડ્રાઇવરો પર જ આક્ષેપ કર્યો હતો અને તે મામલે તેમને કંઈ કહ્યું ન હતું. માત્ર એટલું જ કહ્યું હતું કે, ડ્રાઇવરોને બપોરે જમવામાં પુરી અને શાક આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ રાત્રિના સમયે ડ્રાઈવરોને સમયસર રજા ન આપતા ડ્રાઇવરોમાં રોષ જોવા મળ્યો હતો તેને લઈને પણ ડેપોના ઈન્ચાર્જે સ્પષ્ટ કહ્યું હતું કે, રાત્રિના સમયે 10-10 બસોને નીકળવાની સૂચના આપવામાં આવી હતી.

મહત્ત્વની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢની મુલાકાત બાદ વડોદરા પહોંચ્યા હતા અને વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ, તેઓ વડોદરાના લેપ્રસી મેદાનમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.

Related Post

Verified by MonsterInsights