વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાંએ કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. યુવાન હૈયાંએ કરેલા આપઘાતથી નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં બન્નેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે જ ઘરેથી ભાગી ગયાં હતાં
વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ (19) તથા જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ (21) એકબીજાના પ્રેમમાં પડી સાથે જીવવાના કોલ કર્યા હતા, પરંતુ પરિવાર અને સમાજ તેના સંબંધોને સ્વીકારશે નહિ, એમ સમજી બંને પ્રેમી-પંખીડાંએ ભાગી જવાનું પસંદ કર્યું હતું. નક્કી કર્યા મુજબ જયદીપ બાઈક પર બેસાડી વિભા ઉર્ફે ગૌરીને ગત રોજ લઈ ગયો હતો. બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદૂર લઈ ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે આવી બાઈક થંભાવી હતી, જ્યાં પ્રેમીએ પોતાની સાથે લાવેલા સિંદૂરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. ગળામાં મંગળસૂત્ર પહેરાવી પોતાના આત્માની સાક્ષીએ ગાંધર્વ લગ્ન કરી પતિ-પત્ની બની ગયાં હતાં. બંનેએ એકબીજાના ફોટા મોબાઈલમાં સેલ્ફી લીધી હતી. છેલ્લી ઘડીની સેલ્ફી લીધા બાદ આ બંને પ્રેમી-પંખીડાંએ ધસમસતા કેનાલમાં ઝંપલાવ્યું હતું. બંને પ્રેમી-પંખીડાંએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાંની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું.
પ્રેમી-પંખીડાંના આપઘાતથી બંને પરિવાર સ્તબ્ધ
બીજી તરફ, જયદીપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણકારી આપી હતી. તો અડીરણ કેનાલ પાસેથી મળી આવેલાં પર્સ, બંનેના મોબાઈલ, કપડાંની થેલી અને બાઈક પરથી પોલીસે આપઘાત કર્યાનું જણાઈ આવતાં પરિવારને જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ દ્વારા નર્મદા કેનાલમાં બંને પ્રેમી-પંખીડાંની શોધખળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી સફળતા મળી શકી નથી. સાથે જીવીના શકાય તો કાંઈ નહિ, સાથે મરી તો શકાય, દાંપત્યના ઊંબરે આવી નવવધૂ અને વર બની પ્રેમી-પંખીડાંએ આ ફાની દુનિયાને અલવિદા કહેતાં જુવાનજોધ પુત્ર અને પુત્રીના પરિવારના લોકોની આંખનાં આંસુ સુકાઈ નથી રહ્યાં.
સમગ્ર ગામ હીબકે ચડ્યું
નાનકડા ગામમાં બનેલ બનાવથી ગામ હીબકે ચઢ્યું છે. કેનાલમાંથી મૃતદેહ ન મળતાં પાણીના પ્રવાહને જોતા આ પ્રેમી-પંખીડાંના મૃતદેહ પંચમહાલની હદમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયદીપના પરિવાર તેની સગાઈ વાઘોડિયાના અંબાલી ગામે કરી હતી, જ્યારે વિભા ઉર્ફે ગૌરીની સગાઈ શેરખી (સિંધરોટ) ગામે કરી હતી. જેથી બંને એકબીજા સાથે લગ્ન કરી શકશે નહીં, એમ જણાતાં આખરે અંતિમ પગલું ભરવાનું નક્કી કરી કેનાલમાં ઝંપલાવી દીધું હતું.