છેલ્લા એકાદ મહિનાથી તમે વ્હોટ્સએપમાં એક નવું ટૂલનો ઉપયોગ કરી રહ્યા હશો, જે વ્હોટ્સએપનું ઇમોજી રિએક્શન ટૂલ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ટૂલ ક્રિએટ કરવામાં એક અમદાવાદી યુવાનનું યોગદાન છે. આ યુવાનનું નામ છે વીદિત મણિયાર.
તેમણે શહેરના મેમનગરમાં આવેલી એચબી કાપડિયા ન્યૂ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને હાલ મેટા કંપનીમાં નોકરી કરી રહ્યો છે. વિદિત રિએક્શન પ્રોજેક્ટની ટીમમાં હતો. જેમાં તેમની ટીમને સફળતા પણ મળી હતી.આજે અમદાવાદના યુવક અને તેની ટીમે જે પ્રોજેક્ટ પર કામ કર્યું છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતો વિદિત મણિયાર હાલ મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. વિદિત 9 થી 12 ધોરણ સુધી એચબી કાપડિયા સ્કૂલમાં ભણતો હતો.
વિદિતે 12 સાયન્સ કરીને ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કર્યું હતું. એચબી કાપડિયા સ્કૂલમાં જ વિદિતને પહેલી નોકરી મળી હતી. જેમાં તે શિક્ષક તરીકે ફિઝિક્સ ભણાવતો હતો.
આ અંગે વિદિત મણિયારે જણાવ્યું હતું કે, હું સ્કૂલમાં ભણતો ત્યારથી હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમાં માનું છું. વ્હોટ્સએપ પહેલાંથી જ મને ગમતું હતું. અબજો લોકોના જીવનમાં વ્હોટ્સએપથી પરિવર્તન આવ્યું છે.
મેં પ્રોજેક્ટ રિએક્શનમાં પણ કામ કર્યું છે. આ પ્રોજેક્ટમાં કામ કરવાનું મને ગર્વ છે. વ્હોટ્સએપમાં હજુ બીજું ઘણું આવી રહ્યું છે. અત્યારે કહી ના શકું પણ ચોક્કક્સ પછી મળીશું.