રક્ષાબંધનના પર્વએ રાજ્ય સરકાર દ્વારા તબીબોને ભેટ આપવામાં આવી છે. જે મુજબ સરકારી હોસ્પિટલો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે.
તબીબો-અધ્યાપકોને NPA ચૂકવવાની નીતિન પટેલની જાહેરાત
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. તેમણે તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું છે, ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુબજનું નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ.
કોરોનાની બીજી લહેર વખતે તબીબો હડતાળ પર ઉતર્યા હતા
નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા હતા. આ તબીબો 2008 થી પેન્ડિંગ રહેલી 15 માંગણીઓની અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું.
સરકાર વતી પ્રદીપસિંહ જાડેજાએ બેઠક કરી માંગણીઓ સ્વીકારી હતી
આ બાદ GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટીના) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમની પડતર માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પૂર્વક સાંભળી તેમની મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સંદર્ભે GMERS કોલેજોના તબીબી શિક્ષકો માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો હતો. જે અંતર્ગત તેમને સરકારી મેડીકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે NPA(નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ) મંજુર કરવામાં આવે તે ધોરણે સાતમા પગાર પંચના ધોરણ મુજબ એન.પી.એ. મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને ગુજરાત મેડિકલ ટીચર્ચ એસોસિએશન(GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશે.