કોરોનાનાં કેસ પર માંડ કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ અમુક લોકો હજુ પણ એવા છે કે જેમના માટે આ આંકડા કોઈ અગત્યતા નથી ધરાવતા. વાત આવા જ એક વિસ્તારની સામે આવી છે કે જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે.
સાબરકાંઠા પ્રાંતિજના લાલપુરમાં સ્થાનિકોએ કોરોનાનાં નિયમો ને નેવે મુકીને હવન કર્યો હતો. આ હવનમાં 100 કરતા વધારે લોકો ભેગા થયા હતા. આ લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ઢોલ ત્રાંસા વગાડ્યા હતા. પોલીસ પાસે આ અંગેની માહિતિ પહોચતા તે સ્થળ પર પહોચ્યા હતા અને 100 લોકો સામે ફરિયાદ નોંધી અને 58 લોકોની ધરપકડ કરી લીધી હતી.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવુ જરૂરી છે ત્યારે આ મુખ્ય નિયમોનો જ છેદ ઉડાડીને મોટી સંખ્યામાં પ્રાંતિજનાં લાલપુર ખાતે ભેગા થઈ ગયા હતા. હવન કોરોનાથી બચવા માટે હતો પરંતું ભેગી થયેલી જનમેદની કોરોનાવે સીધુ આમંત્રણ આપનારી હતી.
ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે લગ્નમાં વરઘોડા કાઢીને નિયમોનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. પંચમહાલના ગોધરામાં બે ગામમાં વરઘોડા નીકળ્યા હતા જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું.
ગોધરાના નદીસર ગામે ગામના સરપંચ સહિત વરઘોડિયા નિયમો નેવે મૂકીને ડીજેના તાલે ઝૂમ્યા. જ્યારે જૂનીધરી ગામે લગ્નના આયોજકો સહિત 7 લોકોની ધરપકડ કરાઈ છે. બંને ઘટનાઓનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
તો બીજીતરફ રાજકોટના જસદણમાં આલ્ફા હોસ્ટેલના કોચિંગ સંચાલકોએ 500થી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ બધા કારણોને લઈને જ હવે કર્ફ્યુનાં પાલનમાં પણ પોલીસ કડક બની રહી છે. જે લોકો રાત્રે ખોટા કારણો આપીને બહાર ફરવા નીકળી પડતા હોય છે તેમણે સાવધાન થવાની જરૂર છે. હવે પોલીસે પકડ્યા તો માત્ર કારણ સાંભળશે નહીં પરંતુ તેની તપાસ પણ કરશે.
છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલી ફરિયાદોમાં સામે આવ્યું છે કે, મોટાભાગના યુવાનો મિત્ર કે પરિજન બિમાર હોવાનું કહીને બહાર ફરતા હોય છે. પોલીસ પકડે ત્યારે હોસ્પિટલનું ખોટુ બહાનું કાઢીને બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા આદેશ કરાયો છે કે, રાત્રે યુવાનો નિયમોનો ભંગ કરતા પકડાય તો તેમના કારણની ચકાસણી પણ કરવામાં આવે, જો કારણ ખોટું હશે તો કાર્યવાહી કરાશે.