સુરત યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતાં માત્ર બાળકોએ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં દાઝી ગયાં હતાં. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીની આસપાસ ખોદકામ ચાલુ હતું એ દરમિયાન ગેસ લીક થયો હતો. એ ગેસ ગટરલાઇનમાં પ્રસરી ગયો હતો, જેને કારણે આ ઘટના બની છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા જોનાર તમામ લોકો ચોંકી ગયા હતા. વિશેષ કરીને જ્યારે પણ બાળકો ફટાકડા ફોડવા માટે જતા હોય છે ત્યારે વડીલો એ તેમની સાથે હાજર રહેવું જોઈએ. જેથી કરીને આ પ્રકારના બનાવો ન બને. બાળકો ઘણી વખત ફટાકડાની મોજ માણવામાં મોટી ભૂલો કરતા હોય છે અને તેના કારણે તેઓ હિંસાનો ભોગ બની જતા હોય છે. માતા-પિતાએ ખાસ કાળજી લેવી જોઈએ કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે તેની આસપાસ હાજર રહેવું જોઈએ.
ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીની આસપાસ ખોદકામનું કામ ચાલતું હતું. તે દરમિયાન ગેસ લીકેજ જ થયો હતો અને તે ગેસ વરસાદી પાણીનીલાઈનની અંદર પ્રવેશી ગયો હતો. બાળકો ત્યાં ફટાકડા ફોડવા માટે એકઠા થયા હતા પરંતુ તેમને ગેસ લીકેજને ગંધ આવી નહોતી અને તેમણે જેવું સળગાવવાનો પ્રયત્ન કર્યો ફટાકડા અને એકાએક જ ફાયર થઈ ગઈ હતી. સદનસીબે કોઇ પણ બાળકને વધુ ઈજા નહોતી થઈ અમે ગયા તે પહેલાં તો લગભગ ફાયર કાબૂમાં આવી જવા પામી હતી.
દાઝી ગયેલા બાળકોના નામ
- રંગપરીયા ગુંજ સંજયભાઈ (11)
- રંગપરીયા વેદ ચેતનભાઇ (9)
- ડોબરીયા વ્રજ મનસુખભાઈ (14)
- સ્મિત મનસુખભાઈ બાબરીયા (8)
- ઠેશીયા હેતાર્થ દિનેશભાઈ (10)