ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે. સૌથી વધુ કેમિકલ કંપનીઓ આપણા રાજ્યમાં છે. પરંતુ કેમિકલથી બનતી ઘટનાઓથી આપણા જીવ બચાવવા માટે સરકારની દાનત છે ખરી? સરકારે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ નામની સંસ્થા બનાવી છે. તેના અધિકારીઓનું કામ છે બેફામ પ્રદૂષણ કરતા ઉદ્યોગો પર લગામ લગાવવી. લોકોના જીવ અને આરોગ્ય ન જોખમાય તેનું ધ્યાન રાખવું. પરંતુ તે સંસ્થા ખરેખર તેનું કામ કરી રહી છે ખરી? ચાલો જોઇએ..
સીન-1
સુરતના સચિન GIDC વિસ્તારમાં 6 જાન્યુઆરી 2022ના દિવસે ઝેરી ગેસને કારણે 6 લોકોના મોત થઇ ગયા. લગભગ 20 લોકો ગુંગળાઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એક ટેન્કરમાંથી કેમિકલ ખાડીમાં ઠલવાતું હતું ત્યારે આ ઘટના બની. સરકારે તાબડતોબ કાર્યવાહી કરી. પોલીસ અને જીપીસીબીના અધિકારીઓેને સસ્પેંડ કર્યા. મૃતકોને સહાય જાહેર કરાઇ. ટેન્કર ખાલી કરનારા અને જે કંપનીમાંથી કેમિકલ આવ્યું હતું તેના ડીરેક્ટર સહિત 14 લોકોની ધરપકડ કરી. મહારાષ્ટ્ર તળોજાની હાઇકેલ કંપનીના ભાગેડુ મેનેજિંગ ડીરેક્ટર સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી. દરમિયાનમાં પર્યાવરણ સરંક્ષણ માટેની સર્વોચ્ચ બોડી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ તરત કેસ શરૂ કર્યો. મીડિયામાં પણ આ ઘટનાનું સતત રિપોર્ટિંગ થયું.
સીન-2
પરંતુ તમે જોજો.. થોડા દિવસ જવા દો બધુ ભૂલાઇ જશે. પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ પાછા તેમની જગ્યાએ આવી જશે. પકડાયેલા આરોપીઓ પણ જામીન પર છૂટી જશે. મીડિયામાં રિપોર્ટિંગ થતું બંધ થઇ જશે. એનજીટીએ મૂકેલી તપાસ લાંબી ચાલશે…. અને પછી શું થશે? પછી ફરી એક દિવસ રાત્રે સચિન જીઆઇડીસી કે બીજા વિસ્તારમાં ફરી ટેન્કર આવશે. ખાડીમાં ખાલી થશે. આવા તો ઘણા ટેન્કરો આવશે અને ખાલી થશે. તેમાં પોલીસ, જીપીસીબી, જીઆઇડીસી બધી એજન્સીઓના અધિકારીઓ આંખ આડા કાન કરશે.
સીન-3
ફરી કોક દિવસ નિર્દોષ લોકોના મોત થશે. ફરી સીન-1 ભજવાશે. આવું અનન્ત કાળ સુધી ચાલ્યા કરશે. લોકોના મોત થયા કરશે.
આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આવું વર્ષોથી ચાલ્યું આવ્યું છે. હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આ ઘટનામાં જે ઓર્ડર કર્યો તેમાં નોંધ્યું છે કે ફેબ્રુઆરી 2019માં આવી જ એક ઘટના બની હતી. તેમાં પણ 2 લોકોના મોત થયા હતા. ત્યારે પણ કેસ ગ્રીન ટ્રીબ્યુનલમાં ગયો હતો. ગ્રીન ટ્રીબ્યુનલે નોંધ્યું છે કે વર્ષ 2019ની ઘટનામાં જે કંપની ગુનેગાર હતી તે કંપનીને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB)એ ક્લોઝર નોટિસ ફટાકાર્યા પછી ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી હતી. કોઇ પગલા ન લેવાયા. કેમ? તે વખતે જે ટેન્કરમાંથી કેમિકલ ઠલવાયું હતું, તે કેમિકલના ટેન્કર પણ છોડી મૂકાયા હતા. કેમ? બધાને ખબર છે. આવું કેમ થાય છે. હપ્તારાજ છે.
આ ઘટનાક્રમ શું સાબિત કરે છે? આ ઘટનાક્રમ આપણને કહે છે કે જીબીસીબીના અધિકારીઓ એટલા બેફામ થઇ ગયા છે કે કોઇને પણ ગણકારતા નથી. તેમને માત્ર હપ્તા ખાવાથી મતલબ છે. પછી ભલેને શહેર આખું ગેસ લીકને કારણે ઊંઘમાં જ પોઢી જાય. તેમને કોઇ ફરક પ઼ડતો નથી. કારણ કે તેમના જે આકાઓ છે તેમને પણ કોઇ ફરક પડતો નથી. અધિકારીઓ સામે સસ્પેન્ડ કરવા સિવાય બીજા કોઇ પગલા લેવાતા નથી. તેમની સામે પગલા એટલા માટે લેવાતા નથી કારણ કે બધાની મિલિભગત છે. જીપીસીબીના અધિકારીઓને પગાર જ એટલા માટે મળે છે કે તે લોકોને બચાવે.
પરંતુ જો તેઓ લોકોને બચાવી તો શકતા નથી તો તેમને તરત જ નોકરીમાંથી બર્ખાસ્ત કેમ નથી કરાતા? તેઓ બચાવી તો શકતા નથી પરંતુ હપ્તાખાઉ બેદરકારીને કારણે મરાવી જરૂર નાંખે છે. તે માટે તેમની સામે આઇપીસી 304 એ મુજબ બેદરકારીથી મોતનો ગુનો કેમ ન દાખલ થવો જોઇએ. ભૂતકાળમાં સુરતમાં જ ટ્રાન્સફોર્મર ફાટતા ડીજીવીસીએલના ઇજનેર સામે આવો ગુનો દાખલ થયો છે. ઘણા ડોક્ટરો સામે આવા કેસ દાખલ થયા છે. તક્ષશિલા અગ્નિંકાડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કેસ દાખલ થયા છે. તો શું જીપીસીબીના અધિકારીઓ ધર્મની ગાય છે. તેમની સામે કેમ કેસ દાખલ કરાતા નથી.