Sun. Dec 22nd, 2024

સુરત: ભાજપના ગઢમાં વધુ એક ગાબડું,અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાયા

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

સ્થાનિક સોસાયટીઓના પ્રમુખોમાં ભારે રોષ
અડાજણ રાંદેર વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડા પાછળના જે કારણ બહાર આવી રહ્યો છે તે લોકોને પ્રાથમિક સુવિધા જે પ્રમાણે મળવી જોઈએ તે મળી રહી નથી અને તેના કારણે સ્થાનિક સોસાયટીઓના પ્રમુખોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહિલા કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ.
મહિલા કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ.

મેયરના વિસ્તારના લોકોમાં પણ રોષ
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા. 400 કરતા વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં જ અડાજણ વિસ્તારની હિમગીરી સોસાયટીની બહાર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે અને તેમાં જ હવે ધીરે ધીરે ભાજપ તરફે લોકોનો રોષ વધી રહ્યો છે.

પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આપમાં જોડાયા.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આપમાં જોડાયા.

શહેર પ્રમુખનું કાર્યકર્તાઓને સમજાવવાનું રટણ
ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સાથે આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ એક જ વાત કરતા હોય છે. અમે કાર્યકર્તાઓને મળીશું તેઓની નારાજગી શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું. જોકે અત્યાર સુધીમાં કોર્પોરેશનના ઇલેક્શન બાદ ભાજપના અને કાર્યકર્તા અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે તેમને પરત લાવવા માટેના કોઈ પ્રયાસ થયા નથી.

ભાજપ સામે રોષે પણ જોવા મળી રહ્યો છે.
ભાજપ સામે રોષે પણ જોવા મળી રહ્યો છે.

દોઢ મહિનામાં ભાજપના 1000 કાર્યકર્તા આપમાં જોડાયા
છેલ્લા દોઢ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

Related Post

Verified by MonsterInsights