Sun. Dec 22nd, 2024

સ્માર્ટ સિટી ‘અમદાવાદ’ માત્ર કાગળ પર,વિરાટનગરમાં ૨૪ કલાક પહેલા બનાવાવેલ રોડનો ડામર પીગળી ગયો

અમદાવાદ: AMCના કહેવાતા સ્માર્ટ સિટી તંત્રમાં કેટલી હદે પોલ ચાલી રહી છે એનુ વધુ એક ઉદાહરણ બહાર આવ્યુ છે.વિરાટનગર વોર્ડમાં ૨૪ કલાક પહેલા કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલા રોડનો ડામર પીગળી જતા સ્થાનિક રહીશોએ વિપક્ષનેતાને જાણ કરતા તેમણે ઘટના સ્થળે જઈ આ ગંભીર બેદરકારી અંગે જવાબદાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે.

AMC વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની મળેલી પ્રતિક્રીયા મુજબ,વિરાટનગર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રોડ બનાવવા કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.કોન્ટ્રાકટર તરફથી ૨૪ કલાક અગાઉ બનાવવામાં આવેલા રોડ ઉપરનો ડામર પીગળી જતા સ્થાનિકો તરફથી આ અંગે જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યો હતો.ભાજપના શાસનમાં વિકાસ પીગળી રહ્યો છે.રોડના કામોમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.૨૪ કલાક પહેલા બનાવવામાં આવેલા રોડનો ડામર પીગળી જવાની ઘટના ખુબ જ ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૭માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રોડના કામો માટે મોનીટરીંગ સેલની જાહેરાત કરવામાં આવી હતી.આ સેલ કામ કરતો નથી.હાઈકોર્ટ દ્વારા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ફટકાર લગાવવામાં આવી રહી છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રના અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી.કોંગ્રેસ પક્ષ તરફથી રોડ મામલે ગંભીર બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટરને તાકીદે બ્લેકલિસ્ટ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવે છે.

Related Post

Verified by MonsterInsights