વડોદરા એસઓજી પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચની તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસને મૃતક સ્વીટી પટેલના 43 અસ્થિઓ મળી છે. સ્વીટી પટેલના બળી ગયેલ મંગળસૂત્ર, વીંટી અને બ્રેસલેટ તેમજ પાંચ દાંત પણ મળી આવ્યા છે. જેની પાસેથી લાશને સળગાવવા ઘી મંગાવવામાં આવ્યું હતું, તેનું પણ નિવેદન લેવાયું છે. મહત્વની વાત એ છે કે, મળી આવેલી વસ્તુઓ FSL માં તપાસવામાં ચાલી રહી છે. અજય દેસાઈના ATS અને પોલીગ્રાફ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
અટાલીની બંધ હોટલમાં માનવ અસ્થિ હતા
નોંધનીય છે કે સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાબિત કર્યું છે કે દહેજના અટાલીમાં બંધ હોટલમાંથી મળેલા અસ્થિના ટુકડા માનવ શરીરના જ નીકળ્યા હતા. અસ્થિના ટુકડાઓ તપાસ માટે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ હાડકા મૃતક સ્વીટી પટેલના છે કે નહીં તેની તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા મળેલા અસ્થિના ટુકડા પણ માનવ શરીરના હોવાનું જણાયું હતું. હવે પોલીસ મજબૂત પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.