Sun. Dec 22nd, 2024

હવે અભિનેત્રી કંગના રનૌતને પણ થયો કોરોના, કહ્યું- ‘કલ્પના નહોતી કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે’

દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપે બોલિવુડના અનેક સેલિબ્રિટીને પણ પોતાની લપેટમાં લઈ લીધા છે. અભિનેત્રી કંગના રનૌત પણ હવે કોરોનાની હડફેટમાં આવી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાનો કોવિડ રિપોર્ટ શેર કર્યો હતો અને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. આ સાથે જ કંગનાએ પોતાની તબિયત અંગેની વિગતો પણ શેર કરી હતી.

કંગનાએ પોતાનો ધ્યાનમાં લીન હોય તેવો ફોટો શેર કર્યો હતો અને પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર શેર કર્યા હતા. કંગનાએ લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસથી મને થાક અને અશક્તિ જણાઈ રહ્યા હતા. ઉપરાંત આંખોમાં હળવી બળતરા પણ થઈ રહી હતી. હું હિમાચલ જવા વિચારી રહી હતી અને એટલે જ આજે મેં ટેસ્ટ કરાવ્યો હતો જેમાં હું કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મેં પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી દીધી છે. મને અંદાજો નહોતો કે આ વાયરસ મારા શરીરની અંદર પાર્ટી કરી રહ્યો છે, હવે જ્યારે મને ખબર પડી છે તો હું એને ખતમ કરી દઈશ. તમે લોકો પ્લીઝ કોઈને તમારા સામે જીતવાની શક્તિ ન આપશો. જો તમે ડરેલા છો તો એ તમને વધુ ડરાવશે. આવો આ કોવિડ-19નો ખાત્મો કરીએ. આ કશું નહીં, બસ થોડા સમય માટેનો ફ્લુ છે જેને ખૂબ અટેન્શન મળ્યું અને હવે તે લોકોને ડરાવી રહ્યો છે. હર હર મહાદેવ.’

કંગનાને કોરોના થયો હોવાની જાણ થયા બાદ તેના ચાહકોએ તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. કંગનાની આ પોસ્ટ જોઈને લાગી રહ્યું છે કે, જે રીતે તે ડર્યા વગર પોતાના વિરૂદ્ધ બોલનારાઓનો સામનો કરે છે એવી જ રીતે કોરોના વાયરસ સામે પણ લડશે. તેની પોસ્ટ જોઈને લાગી જ રહ્યું છે કે તે કોરોનાથી બિલકુલ નથી ડરી પણ કોરોનાને ખતમ કરવાની વાત કરી રહી છે.

Related Post

Verified by MonsterInsights