કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગે સર્વે, કોરોનાના લક્ષણ અંગે સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. જેની સામે હવે શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોને અનાજની દુકાને હાજર રહેવાનો આદેશ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવામાં આવી હતી. ત્યારે આગામી સમય માટે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. હાલ કોરોનાને કારણે શાળા બંધ છે જેથી મ્યુનિસપિલ સ્કૂલોમાં મધ્યાહન ભોજન બંધ છે. માટે વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે અને કુપન પ્રમાણે નક્કી કરેલ અનાજની દુકાન પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે તે માટે દરેક સસ્તા અનાજની દુકાન પર એક શિક્ષકે હાજર રહેવાનુ રહેશે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલ અનાજની કુપન પરત લેવાની રહેશે અને તેમને અનાજ આપવામાં આવશે.
શિક્ષક મંડળે વિરોધ કર્યો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રનો મ્યુનિ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે જેથી હાલ પૂરતું અનાજ વિતરણ કરવાની કામગીરી બંધ રાખવામાં આવે અને સ્કૂલો શરૂ થાય ત્યારે અનાજ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકો અન્ય કામગીરી પણ કરે છે જેથી હાલ વેકેશન દરમિયાન કામગીરીના સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વેકેશન બાદ અનાજનું વિતરણ કરવા માગણી
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલ જણાવ્યું હતું કે, શિક્ષકો હાલમાં અનેક કામગીરી કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ વેક્સિન લીધી કે નહિ તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે અને તાવ કે અન્ય લક્ષણ હોય તો તેના અંગે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને પણ વેકેશન આપવામાં આવ્યું છે જેથી વેકેશન બાદ વિતરણ કરવામાં આવે.