Sun. Dec 22nd, 2024

37 વર્ષે કોંગ્રેસનો સાથ છોડી જયરાજસિંહે કહ્યું- મને ગદ્દાર ના ગણતા…

telugubullet.com

ગુજરાતના નેતા જયરાજસિંહ પરમારે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબૂક પર એક પોસ્ટ લખીને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે…

મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો,

આપ સૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશા મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દીલ અને દીમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું.

પક્ષે શું આપ્યુ એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારૂ સર્વસ્વ સોંપી દીધુ હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનુ કર્તવ્ય નિભાવ્યુ. વિદ્યાર્થી કાળે  રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દીન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલ્ટી દીશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પુરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.

વૈચારિક ધરાતલ પર હાથવગુ હથીયાર લઈ મેદાને પડી જવામાં મે ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ પક્ષની ઢાલ બનીને સડકથી લઈ મીડીયા અને સોશીયલ મીડીયા સુધી દીવસ રાત જોયા સિવાય ઝઝુમતો રહ્યો છુ. પક્ષ સાચો હોય કે ખોટો એનો બચાવ કરવામાં પાછુ વાળીને જોયુ નથી. વિરોધીઓના ઘાવ સામી છાતીએ અને પોતાનાં લોકોના ઘાવ પીઠ પર ઝીલતો રહ્યો પણ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી. જીંદગીના મહામુલા 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધા. યુવાવસ્થાની મસ્તી,  પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે વીતાવવાનો સમય તથા વ્યવસાયિક ઉદેશ બધા કરતાં  કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનુ મુનાસીબ માન્યુ.

પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહીં માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા  કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝુમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ  વારા પછી વારો, તારા પછી મારોના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો  છે.

કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલ્કત સમજી વરસોથી કબજો જમાવી બેઠેલા લોકોના માલિકી હક્ક સામે જ્યારે જરૂર પડી મેં અનેક વખત અળખા થઈને પણ અવાજ ઉઠાવ્યો છે. પક્ષને સત્તામાં આવતો જોવાની જીજીવીશા લઈને નહીં પણ પક્ષ જીવતો રહે એની બેચેની સાથે એમાં પ્રાણ પુરવાના અથક પ્રયત્નો મેં કર્યા છે.  વ્યક્તિગત નુકશાન ઉઠાવીને પણ સાચું કહેવામાં પાછીપાની નથી કરી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જીલ્લો કે શહેર જોઈ લો તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જુના પુરાણા ચહેરાઓ નજરે પડશે.

જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય, નિરીક્ષકો નીમવાના હોય, ચુંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશાં વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એ જ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.

કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે… મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષનો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઉભી થાય તો પોતાનો ગરાસ લુટાઈ જાય એવુ જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યુ છે. નવુ સ્વીકારવા, નવુ વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.

અનિર્ણાયકતાનો રોગ પક્ષ માટે  જીવલેણ નીવડશે એવા વારંવાર નિદાન થયા છતાં નિર્ણય લેવામાં ભીરૂતા અને શીથીલતા દેખાય છે. એક નિર્ણય કરવામાં મહિનાઓ લાગે કેમકે બધા જાગીરદારોના હીસ્સે સરખી વહેંચણીની મજબુરી હોય. આટલા મોટા અને જુનો પક્ષ બે વર્ષ સુધી પ્રદેશ માળખા સિવાય એડહોક ચાલે એમા વાંક કોનો ? પ્રદેશ માળખા વગર સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવાનુ પરિણામ આપણે જોયુ છે. માત્ર પ્રદેશ નહીં રાષ્ટ્રીય સ્તરે પણ આ સંક્રમણ મહામારી બની ફેલાઈ છે જેની રસી કદાચ કોઈ વૈજ્ઞાનિક પાસે નથી. કોંગ્રેસની સેના કાંતો સેનાપતિ વગર કાં સેનાપતિઓના ભારથી તુટતી રહે અને આપણે કશું જ ના કરી શકીએ એ સ્થિતિ પીડાજનક છે.

અઢી દાયકાથી સત્તા વિરૂદ્ધ  સંઘર્ષ કર્યો જ છે, મતલબ સત્તા મારો રાજકીય પ્રાણવાયુ નથી નથી ને નથી જ એટલે મને ગદ્દાર ના ગણતા..  2007-2012-2017 કે 2019 ની ખેરાલુ વિધાનસભાની ચૂંટણી હોય ટીકીટ માંગી પણ નથી મળી અને છતાંય એનો વસવસો રાખ્યા સિવાય પક્ષને વફાદાર રહ્યો. છેલ્લા દસેક વર્ષથી  મારી ક્ષમતા મુજબનુ સ્થાન સંગઠનમાં ઈરાદાપૂર્વક નહીં આપવા છતાં હું પક્ષની સાથે રહ્યો.

કોંગ્રેસનો પક્ષ રાખવાની આક્રમકતાના કારણે એક પ્રતિષ્ઠીત ચેનલની ડીબેટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, ઢળી પડ્યો, સદનસીબે બચ્યો. આ ઘટના બાદ પરિવાર, મિત્રો અને શુભચિંતકો દ્વારા રાજકીય વ્યસ્તતા ઘટાડવા દુરાગ્રહ પણ થયો છતાં મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કમી ન્હોતી આવવા દીધી.

દોસ્તો હ્રદયરોગના હુમલાથી વિચલીત નહીં થયેલો તમારો જયરાજસિહ પક્ષના આંતરિક માળખાથી-સીસ્ટમથી હારી ગયો છે.

આ વેદના માત્ર મારી નથી લાખો સંનિષ્ઠ કાર્યકરોની છે, હું માત્ર વાચા આપી રહ્યો છું. સ્વમાનના ભોગે ઈન્દ્રનું આસન મળે તો એ પણ સ્વીકાર્ય નથી. તમારામાંથી ઘણા લોકો દુખી થશે, કદાચ નારાજ પણ થાય છતાં એક જયરાજસિહના જવાથી જો પક્ષની વ્યવસ્થાઓ સુધરતી હોય ,બહેરા કાને સામાન્ય કાર્યકરની પીડા સંભળાવાની હોય તો કોંગ્રેસને આખરી અલવિદા એ એકમાત્ર વિકલ્પ છે. પક્ષના કોઈ સાથીઓ સાથે વ્યક્તિગત મનભેદ નથી, 37 વરસના સંગાથના સારા સંભારણા દીલમાં લઈ વિદાય લઈ રહ્યો છું. ક્યાંય મારાથી દિલ દુભાયું હોય તો માફ કરશો..

સત્તા પાછળ નહીં દોડનાર અને સત્તાથી નહીં ડરનાર  જયરાજસિહ માટે કોંગ્રેસ એટલે એનો અદનો કાર્યકર. જેથી હું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયની સૌ પ્રથમ જાણ આપને કરૂ છું.

અને ભગ્ન હૃદયે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું..

તમામ સમર્થકો, શુભેચ્છકો, આલોચકો તથા કાર્યકર મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ…

આપનો જ,

જયરાજસિંહ પરમાર

Related Post

Verified by MonsterInsights