બિહારના મધેપુરામાં આવેલા કોસી અને સીમાંચલ ખાતેની ગરીબી ત્યાંની બાળકીઓ માટે અભિશ્રાપ બનવા માંડી છે. બીજા રાજ્યોના લોકો પૈસાના જોરે ત્યાંની બાળકીઓ સાથે લગ્ન કરે છે અને પોતાની સાથે લઈ જાય છે. તાજેતરનો કેસ મુરલીગંજ પોલીસ સ્ટેશનના રજની પ્રસાદ ચોક ખાતેનો છે. આ વિસ્તારના સ્થાનિક લોકોની સમજદારી અને વહીવટી તંત્રના સહયોગથી એક સગીર છોકરીના લગ્ન ઉત્તર પ્રદેશના આધેડ સાથે થતા બચી ગયા છે. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

ગામના લોકોને જ્યારે જાણ થઈ કે, ઉત્તર પ્રદેશના શામલી ખાતેનો 40 વર્ષનો વ્યક્તિ 14 વર્ષની સગીરા સાથે લગ્ન કરી રહ્યો છે ત્યારે તેમણે આ માહિતી સરપંચને આપી હતી અને સરપંચે તે માહિતીને વહીવટી તંત્ર સુધી પહોચાડી હતી. વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને લગ્ન અટકાવ્યા હતા અને વરરાજા સહિત 6 લોકોની ધરપકડ કરાવી હતી. તમામ આરોપીઓને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને સવારે જેલમાં ભેગા કરાયા હતા.

લગ્ન કરવા આવેલા વ્યક્તિનું નામ જ્વાલા સિંહ છે. તેના કહેવા પ્રમાણે આ વિસ્તારની અનેક છોકરીઓના લગ્ન તેના વિસ્તારમાં થયા છે. લગ્ન માટે મધ્યસ્થી કરનારી ઝુલેખા ખાતુન પણ પોતાની દીકરીના લગ્ન બીજા રાજ્યમાં કર્યા હોવાની વાતનો સ્વીકાર કરે છે.  છોકરીના લગ્ન તેના માતા-પિતાની સહમતિથી થઈ રહ્યાં હતા.

પીડિત છોકરીને દલાલોની મદદથી ફોસલાવીને લગ્ન માટે તેના ફૂવાના ઘરે લાવવામાં આવી હતી. ગામના લોકોએ આ કજોડાને જોઈને તેની માહિતી સરપંચને આપી હતી. ત્યાર બાદ સરપંચની માહિતીના આધારે પોલીસે રાત્રે ત્યાં દરોડા પાડીને લગ્ન રોકાવ્યા હતા.

છોકરીના ભાઈએ પણ જણાવ્યું કે, તેના માતા-પિતાએ તેને આ લગ્ન વિશે કોઈ જ માહિતી નહોતી આપી. જો તેમણે માહિતી આપી હોત તો તે આવું ક્યારેય ન થવા દેત. આ મામલે મુરલીગંજના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાઉન્સિલના અધિકારી અહમદ રજાખાને કેસ નોંધાવ્યો છે. રજની પંચાયતના સરપંચ રાજીવ રાજાએ જણાવ્યું કે, આ લગ્ન માટે છોકરીના પિતાને 30,000 રૂપિયા આપવામાં આવ્યા છે. આ જિલ્લામાં છોકરીઓને લગ્નના બહાને બહાર લઈ જનારા અસામાજિક તત્વોનું નેટવર્ક સક્રિય છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights