સુરત: કડોદરામાં એક પેકેજિંગ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધી બે મજૂરોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જ્યારે 125 થી વધુ મજૂરોને હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા બચાવી લેવાયા છે. ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે.
મહત્વનું છે કે , અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે કથિત રીતે બિલ્ડિંગમાંથી કૂદકો લગાવ્યો હતો જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે કડોદરા કંપની માં લાગેલી આગમાંથી100 થી વધુ લોકોને બહાર કાવામાં આવ્યા છે અને આ ઘટનામાં કેટલાક કામદારો પણ દાઝી ગયા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.
કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલે જણાવ્યું હતું કે ‘વિવા પેકેજિંગ કંપની’માં સવારે 4.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ યુનિટના પહેલા માળે શરૂ થઈ હતી અને ઝડપથી અન્ય માળમાં પણ ફેલાઈ હતી. બિલ્ડિંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.