તાપી જિલ્લાના સોનગઢના માંડલ નાકા પાસે જાનૈયા ભરેલી એક બસ ટોલનાકા સાથે અથડાઈ છે. આ અકસ્માતમાં ટોલનાકામાં કામ કરતી મહિલા સહિત 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર પૂર ઝડપે આવી રહેલી જાનૈયા ભરેલી બસે બેકાબૂ બનતા અથડાઈ હતી. આ દુર્ઘટના સવાલે 11 વાગ્યા આસપાસ બની હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતના કારણે ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 15 લોકોને ઈજા થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં ડ્રાઈવર અને ટોલનાકા પર કામ કરતી મહિલાનો માંડ માંડ જીવ બચ્યો છે.
CCTVમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે બેકાબૂ બસ સૌપ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ પર અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાય છે. જેના કારણે ટોલનાકા પર ઊભા કરવામાં આવેલા સાઈન બોર્ડ અને ડિવાઈડરને ટક્કર મારતાં ત્યાં નુકસાન થયું છે, સાથે જ બસની આગળની ડાબી સાઈડના ભાગને તથા કાચ સહિત કેબિનને ભારે નુકસાન થયું છે.