રાજ્યમાં પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી SOGને મળી હતી. તેથી પોલીસ દ્વારા બાતમીના આધારે રસ્તા પર એક મહિલાને અટકાવવામાં આવી હતી અને આ મહિલાની તપાસ કરતા તેની પાસેથી ગાંજાની 50 ગ્રામની કેટલીક પડીકીઓ મળી આવી હતી. પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી 950 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ અને સ્કૂટર જપ્ત કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગરના મફતિયાપરામાં વિસ્તારમાં નીલુ નામની મહિલા રહેતી હતી. SOG પોલીસને બાતમી મળી હતી કે આ નીલુ નામની મહિલા ગાંજાનું વેચાણ કરી રહી છે. તેથી પોલીસે આ મહિલા પર વોચ રાખી હતી અને રવિવારે રાત્રે 11:30 વાગ્યે જ્યારે નીલુ નામની મહિલા એક્સેસ ગાડી લઈને રસ્તા પર નીકળી તે સમયે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી અને તેની તપાસ કરતાં તેની પાસેથી 50 ગ્રામની 19 જેટલી ગાંજાની પડીકી મળી આવી હતી. આ ગાંજા ની કિંમત 5700 રૂપિયા થવા પામે છે. પોલીસે 5700 રૂપિયાના ગાંજા છે અને 80 હજાર રૂપિયાની એક્સેસ બાઇક કબજે કરીને નીલુ સૈયદની ધરપકડ કરી હતી.
હવે પોલીસ દ્વારા નીલુ સૈયદની પૂછપરછ કરવામાં આવશે કે તે આ ગાંજા નો મુદ્દામાલ કોની પાસેથી લાવતી હતી અને અત્યાર સુધીમાં તેને કોને કોને આ ગાંજાના મુદ્દામાલનું વેચાણ કર્યું છે. પોલીસે નીલુ સૈયદ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. મહત્ત્વની વાત છે કે, 2020 ફેબ્રુઆરી માં 15 તારીખના રોજ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને બાતમી મળી હતી કે, મફતિયાપરામાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પણ તેમને મફતિયા પરામાં દરોડો પાડતા નીલુ સૈયદને 50 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાઈ હતી. બે વર્ષ પહેલા તે ગાંજાનું વેચાણ કરતા પકડાઈ હોવાના કારણે પોલીસ નિલુના ઘર પર નજર રાખી રહી હતી. તેથી આ મહિલાએ ઘર પર ગાંજો વેચવાના બદલે પોલીસથી બચવા તેને પોતાની એકસેસ બાઈકની ડેકીમાં ગાંજો રાખવાનું શરૂ કર્યું અને તે આ બાઈકની મદદથી ગાંજનો મુદ્દામાલ અલગ-અલગ જગ્યા પર સપ્લાય કરતી હતી.