જામનગર ખાતે આવેલા નેવી ટ્રેનિંગ INS વાલસુરા ખાતે એક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં બુધવારે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવેલા છ ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્ર રજૂ કરતા હોબાળો મચી ગયો હતો. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છ શખ્સોએ રજૂ કરેલા ડોમિસાઈલ પ્રમાણપત્ર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ પ્રમાણપત્રની તપાસ કરવામાં આવતા કોઈ બીજુ પ્રકરણ સામે આવ્યું હતું.
રાજસ્થાન રાજ્યના અલવરમાં ખાનગી ડિફેન્સ એકેડેમી ચાલતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર બેડી મરીન પોલીસ ઓફિસમાં ભરતીની પ્રક્રિયાના લેફ્ટનન્ટ ઓફિસર તરફથી આ મામલે એક ફરિયાદ નોંધવામાં આવી છે. ભારતીય નેવી તરફથી દર વર્ષે મોટાપાયે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે IHQ MOD દિલ્હી તરફથી એક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતભરમાંથી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી.
નેવીના જુદા-જુદા તાલીમ સેન્ટર ખાતે આર્ટીફાઈઝર એપ્રેન્ટીસ અને મેટ્રિક રીક્રુટમેન્ટની ભરતી પ્રક્રિયા અંતર્ગત મંગળવારે જામનગરના INS વાલસુરા નેવી તાલીમ મથક ખાતે જુદા-જુદા રાજ્યના અરજદારોને બોલાવાયા હતા. જેના ડૉક્યુમેન્ટ અંગે તપાસ કરતા આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું. વહેલી સવારે વાલસુરા રીક્રુટમેન્ટ વેરિફિકેશન ઓફિસ ખાતે તમામ ઉમેદવારોના જરૂરી પ્રમાણપત્રની તપાસ કરાઈ હતી. ભરતીમાં ભાગ લેવા માટે આવેલા રાજસ્થાન રાજ્યના સંતોષકુમાર સેપટ, કમલેશ જગદીશ સારણ, ઉત્તર પ્રદેશના કિર્તી દલવીર પાલ અને ગૌરવ રાજવીરસિંઘ ચાહર, શ્રીકાંત શ્રીપ્રેમ સિંઘ, ચંદ્રકાંત ઘનસિંહ કુશ્વાહ નામના શખ્સો ડોમિસાઈલ પ્રમાણપત્ર ગાંધીનગર મામલતદાર કચેરી ખાતેથી કઢાવી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ ઉમેદવારો ગુજરાતી જાણતા ન હોવાથી ભરતી કરનાર ઓફિસરને આશંકા ગઈ હતી.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રમાણપત્ર બોગસ છે. રાજસ્થાનમાં આવેલી એક ખાનગી ડીફેન્સ એકેડેમી ચલાવતા રાજેન્દ્રસિંહ યાદવ તથા ભાઈ વિમલ ઉર્ફે મોનુ તરફથી કાઢી આપવામાં આવ્યું હતું. જેથી સ્થાનિક ઓફિસર મનોજ લક્ષ્મણસિંહે તમામ શખ્સોને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી છે. કલમ 465, 466, 468, 471, 484, 114 અનુસાર ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં, છ ઉમેદવારોએ ભારતીય નેવીમાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે બનાવટી આધારકાર્ડ બનાવી દસ્તાવેજમાં સહી સિક્કા કરી નાંખ્યા હતા. આવો આરોપ લગાવાતા પોલીસે તપાસ શરૂ કરી છે.