ગુજરાતના વલસાડમાં ધરા ધ્રુજી છે. વલસાડ માં 26 જાન્યુઆરી એટલે કે બુધવારે બપોર 12.46 કલાકે ભુંકપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકાને પગલે વલસાડના શહેરીજનોમાં ડરનો માહોલ ફેલાયો હતો.
વલસાડમાં બપોરે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા 3.2 રિકટર સ્કેલની હોવાની માહિતી મળી છે. વલસાડમાં ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ જાનહાની કે નુકસાનના સમાચાર નથી.
ગુજરાતમાં સામાન્ય રીતે કચ્છમાં ભૂકંપના અનેક આંચકા આવી રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને અન્ય વિસ્તારોના ભૂકંપના હળવા આંચકા સમયાંતરે નોંધાતા રહેતા હોય છે. તેમજ આ અંગે ગુજરાત સિસ્મોલોજી સેન્ટર તેની પર સતત ધ્યાન રાખી રહ્યું છે, તેમજ ભૂકંપના આ આંકડાઓનો અભ્યાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના પણ આપે છે.
ભૂકંપ શા માટે આવે છે ? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા જ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આવેલા ભૂકંપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિ.મી સાઉથ વેસ્ટ હોવાનું માલૂમ પડ્યું હતુ. તેમજ ભૂકંપના લીધે ખાવડા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા લોકોએ કરી ભુંકપના આંચકાની અનુભુતી કરી હતી. તો ઇતિહાસમાં આ જ 26 જાન્યુઆરીના દિવસે વર્ષ 2001માં ભૂકંપના આંચકાએ સમગ્ર કચ્છને તહેસનહેસ કરી દીધુ હતુ. આ ધરતીકંપમાં હજારો લોકોએ પોતાના ઘર, સ્વજન અને જીવ ગુમાવ્યા હતા.
(અહેવાલ: પંકજ જોષી કચ્છ)