દેશના મશહુર ગાયિકા લતા મંગેશકરનું રવિવારે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું અને દેશના નામાંકિત લોકો શિવાજી પાર્કમાં તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને તેની મેનેજર પુજા દદલાની પણ લતા દીદીને શ્રધ્ધાંજલી આપવા માટે ગયા હતા. શાહરૂખે અંતિમ દર્શન કરતી વખતે બે હાથ ઉપર રાખીને મનમાં ફાતિહા વાંચી અને તે પછી લતા મંગેશકરના પાર્થિવ શરીરને ફુંક મારી. આ વાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ અને લોકોએ ફુંકને થુંક બતાવીને શાહરૂખને ટ્રોલ કર્યો હતો. જો કે આ વખતે તેના ઘણા બધા ચાહકો બચાવમાં આવ્યા છે.
લતા દીદીને શાહરૂખની આ આખરી સલામ ચર્ચાનો વિષય બની ગઇ. કેટલાંકે વખાણ કર્યા તો કેટલાંક ફુંક મારવાને થુંકવાનું કહીને વિવાદ ઉભો કર્યો. આ વચ્ચે સવાલ એ છે કે લતા મંગેશકરને શ્રધ્ધાંજલી આપવા ગયેલા શાહરૂખે જે કર્યું હતું તે શું હતુ.? ઇસ્લામમાં ફુંક મારવાની પરંપરા શું છે?
જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ ઇસ્લામિક પંરપરા મુજબ જયારે કોઇના માટે દુઆ કરવામાં આવે છે ત્યારે બે હાથ ઉપર રાખીને દિલ સુધી લાવવાના હોય છે અને અલ્લાહને પ્રાથર્ના કરવામાં આવે છે. કોઇકની નોકરી માટે, કોઇકના આરોગ્ય માટે કે કોઇકના સારા કામ માટે અથવા આત્માની શાંતિ માટે દુઆ કરવામાં આવતી હોય છે. શાહરૂખના ચાહકોએ કહ્યું કે લતા મંગેશકરના પાર્થિવ સામે શાહરૂખે ચોક્કસ લતાના આત્માને સુકુન મળે તેના માટે દુઆ કરી હશે. લગભગ 12 સેકન્ડ સુધી શાહરૂખે દુઆ કરી હતી. તે પછી ચહેરા પરનું માસ્ક હટાવીને લતાના પાર્થિવ શરીર પર ફુંક મારી હતી.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદનું કહેવું છે કે સામાન્ય રીકે જયારે કોઇ બિમાર પડ્યું હોય અથવા કોઇની નજર ઉતારવાની હોય તો તેની હિફાજત માટે, દુઆ કરીને દમ કરવામાં આવે છે. દુઆ કરીને ફુંક મારવાની પ્રથાને દમ પણ કહેવામાં આવે છે. આ દુઆની અસર બિમારના શરીર સુધી પહોંચે એટલે ફુંક મારવામાં આવે છે. મતલબ કે કુરાનમાં જે આયાત પઢવામાં આવે છે, તેની અસર તે વ્યકિત સુધી પહોંચાડવાની એક રીત છે.
ઇસ્લામના જાણકાર મુફતી અમજદે કહ્યું કે ફંક મારવાનો મતલબ કુરાનની આયાત દ્રારા કોઇકની મદદ કરવા માટે અથવા દુખમાંથી મુક્તિ મેળવવાનો આશય હોય છે. કોઇકના નિધન પર શ્રધ્ધાંજલી આપવા પર પણ કુરાનની અલગ અલગ આયાત વાંચવામાં આવતી હોય છે. એટલે શક્ય છે કે શાહરૂખે લતા દીદી માટે આવી જ કોઇ આયાત વાંચીને દુઆ કરી હશે.
મૌલાના ખાલીદ રશીદે કહ્યું કે શાહરૂખે જે ફંક મારવાની રીત કરી તે જીવતી વ્યકિત માટે અપનાવવામાં આવે છે. મરનાર વ્યકિત માટે ફંક મારી શકાય નહી. જો કે સાથે તેમણે કહ્યુ કે આ વાતને ધર્મ સાથે જોડવી યોગ્ય નથી.<