અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આ ઘટનાઓમાં નુકશાન તો સામાન્ય માણસનું જ થાય છે. ફરી એકવાર ચોરીની એક ઘટના ઓઢવમાં સામે આવી છે, જેમાં 10, 20 લાખ નહી પરંતૂ રૂપિયા 50 લાખની લૂંટ કરીને ચોર ભાગી ગયા હતા.
ઓઢવમાં PM આંગડિયા પેઢીમાં ધોળા દિવસે 50 લાખ રૂપિયાની દિલધડક લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આંગડિયા પેઢીમાં થયેલી આ લૂંટ CCTV ફુટેજમાં આવી ગઇ હતી.
ચોરી કરવા માટે બાઈક પર આવેલા શખ્સો પિસ્તોલ અને ચપ્પુ બતાવીને આ લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટના સમાચાર મળતા જ ઓઢવ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઓઢવમાં આવેલી છોટાલાલની ચાલી પાસે પી.એમ. આંગડિયા પેઢી આવેલી છે. અહીં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા એ જ સમયે કેટલાંક લૂંટારુઓ ત્રાટક્યા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે લૂંટારૂઓએ પિસ્તોલ અને ચપ્પુ બતાવીને આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવી હતી. બાદમાં આ લૂંટારુઓ આંગડિયા પેઢીમાંથી રુપિયા 50 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે જ ઓઢવામાં આવેલી આંગડિયા પેઢીમાં 50 લાખની લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મહત્વનું છે કે, આ લૂંટારુઓ બાઈક લઈને આવ્યા હતા. બાદમાં આંગડિયા પેઢીમાં ઘૂસીને કર્મચારીઓને હથિયારો બતાવીને રુપિયા 50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આંગડિયા પેઢી દ્વારા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ઘટના સ્થળે જઈને આંગડિયા પેઢીના કર્મચારીઓ અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી. જેથી કરીને લૂંટારુઓનું પગેરું મેળવી શકાય. બીજી તરફ, લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ફંફોળ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ આ લૂંટારુઓ ક્યાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા છે એની તપાસ પણ હાથ ધરી છે.