દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ગત રોજ સેનાની ત્રણેય પાંખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આ યોજના પાછી નહીં ખેંચવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ વિવિધ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. આ બધા વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિપથ’ યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે. અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ બાદ મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂનના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ હતી અને ત્યારથી દેશભરમાં હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. પ્રદર્શનકારીઓના કહેવા પ્રમાણે આ યોજનામાં પેન્શન ખતમ કરી દેવાયું છે તથા તેમની સેવાને માત્ર 4 વર્ષ પૂરતી સીમિત કરી દેવામાં આવી તે યોગ્ય નથી. તેમનો સવાલ છે કે, 4 વર્ષ બાદ તેઓ રિટાયર થાય પછી શું કરશે?
આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે, ‘અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ જે પ્રકારે હિંસા થઈ રહી છે તેનાથી દુખી અને નિરાશ છું. ગત વર્ષે જ્યારે આ યોજના અંગે વિચારણા ચાલતી હતી ત્યારે મેં કહ્યું હતું કે, અગ્નિવીરોને જે અનુશાસન તથા કૌશલ્ય મળશે તે તેમને ઉલ્લેખનીયરૂપે રોજગાર યોગ્ય બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ પ્રકારના પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોને અમારા ત્યાં નોકરીની તક આપશે.’